20 કરોડ નોકરી આપવાની જગ્યાએ 12 કરોડ છીનવી..' ખડગેના આક્રમક પ્રહાર

April 21, 2024

દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રોજગારીનો મુદ્દો ઉઠાવી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં યુવાઓ માટે સૌથી મોટો મુદ્દો રોજગારીનો છે. જો અમારી સરકાર સત્તામાં આવશે તો અમે ‘રોજગાર ક્રાંતિ લાવીશું. આ સાથે તેમણે ભારતીય ભરોસો, પ્રથમ નોકરી પાક્કી અને ‘પેપર લીકથી મુક્તિ જેવી ગેરંટી આપી છે.


ખડગેએ આજે એક્સ (ટ્વિટર) પર કહ્યું કે, અમારી સરકાર આવશે તો ભારતી ભરોસાની ગેરેન્ટી હેઠળ 30 લાખ નોકરીનું સર્જન કરવામાં આવશે. પ્રથમ નોકરી પાક્કીની ગેરેન્ટી હેઠળ એપ્રેન્ટિસશીપના અધિકાર દ્વારા દરેક ડિગ્રી/ડિપ્લોમા ધારકને વાર્ષિક રૂપિયા એક લાખના માનદ વેતન સાથે પ્રથમ નોકરીની ખાતરી આપીશું. આ ઉપરાંત ખડગેએ પેપર લીકથી મુક્તિના મુદ્દાનો ઉલ્લેખ કરી લખ્યું છે કે, અમારી સરકાર આવશે તો કોંગ્રેસ નોકરી માટેની પરીક્ષામાં થતા પેપર લીકના મુદ્દાનો નિવેડો લાવવા અને પીડિતોને નાણાંકીય વળતર આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરશે. તેમણે ‘યુવા રોશની’ ગેરેન્ટી હેઠળ કહ્યું કે, કોંગ્રેસ સ્ટાર્ટ-અપ માટે ફંડ ઓફ ફંડ્સ યોજનાની રચના કરશે અને 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાઓને લાભ મળી શકે તે માટે દેશના તમામ જિલ્લાઓમાં સમાન ફંડ 50 ટકા, 5000 કરોડ રૂપિયાની ફાળવણી કરીશું.