તાઇવાનમાં શપથ વિધિ પૂર્વે અમેરિકાનાં યુદ્ધ જહાજો તાઈવાન-સમુદ્રધુનિમાંથી પસાર થયા

May 10, 2024

તાઇપી/બૈજિંગ : અમેરિકાનાં યુદ્ધ જહાજો સામ્યવાદી ચીનની તળભૂમિ અને દ્વિપરાષ્ટ્ર તાઈવાન વચ્ચે રહેલી સમુદ્રધુનિમાંથી ગઈકાલે (બુધવારે) પસાર થયા હતા. તાઈવાનના નવ નિર્વાચિત પ્રમુખ લાઇ ચિંગ તે તા. ૨૦મી મેના દિને શપથ લેવાના છે. તેઓની શપથ વિધિ આડે હવે માત્ર ૧૧ દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે અમેરિકાએ તાઈવાન-સ્ટેટસમાંથી તેનાં સૌથી પ્રબળ તેવા ગ્વાલ-ટાપુ સ્થિત ૭મા કાફલાના યુદ્ધ જહાજ હેલ્સેનાં નેતૃત્વ નીચે નાનો એવો કાફલો તાઈવાનની સમુદ્રધુનિમાંથી પસાર કરતાં ચીન આગ બબૂલ થઈ ગયું હતું. તેણે તે વિશાળ ડીસ્ટ્રોયરને પાછા ફરી જવા જણાવ્યું હતું પરંતુ ડીસ્ટ્રોયરના કેપ્ટને સામેથી જવાબ આપતાં જણાવ્યું હતું કે વાસ્તવમાં અમે આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં છીએ, તેથી તમોને અમને રોકવાનો કોઈ અધિકાર જ નથી. આટલું જ નહીં પરંતુ અમેરિકાનાં યુદ્ધ વિમાનો પણ તે યુદ્ધ જહાજોને આકાશી છત્ર પૂરું પાડતાં તેની ઉપરથી પસાર થયા હતા. ચીન તાઈવાનને જ પોતાનો પ્રાંત માને છે. નકશામાં પણ આ સ્વતંત્ર ટાપુ રાષ્ટ્ર ચીનના તે કૃત્રિમ દાવાને ગણકારતું નથી. તેમજ તાઈવાનની સમુદ્રધુનિ પણ ચીન પોતાની હોવાનું કહે છે. જે સામે તાઈવાન ઉપરાંત દુનિયાના લગભગ તમામ દેશો વિરોધ દર્શાવી તેને આંતરરાષ્ટ્રીય જળ વિસ્તાર જ હોવાનું જણાવે છે. તાઈવાનના નવ નિર્વાચિત પ્રમુખ લાઇ-ચિંગ-તેં ચીનના તે દાવાનો વિરોધ કરે છે. વાસ્તવમાં લાઇ-ચિંગ- તે સામ્યવાદી ચીનના કટ્ટર વિરોધી છે. તેઓ તેમના પુરોગામી પ્રમુખ ત્સાઈ-ઇન-વેંગના પ્રિય શિષ્ય છે. તેમણે જ લાઇ-ચિંગ તેને પોતાના વારસ તરીકે પસંદ કર્યા છે.