ભાજપના કાર્યકરોએ માત્ર ખુરશીઓ જ સાફ કરવાની, કાછડિયાએ પક્ષ સામે બળાપો કાઢ્યો

May 10, 2024

અમરેલી : ગુજરાતમાં લોકસભાના મતદાન પૂરું થયા બાદ હવે ભાજપમાં આંતરિક ભડકો જાહેર થયો છે. અમરેલીના હાલના સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાએ પક્ષ સામે બળાપો કાઢ્યો હતો. તેમણે કોંગ્રેસ અને આપમાંથી આવતા પેરાશૂટ નેતાઓને લઈને કહ્યું હતું કે, 'આ નેતાઓ સવારે ભાજપમાં આવે છે અને બપોરે ટિકિટ મળી જાય છે. ભાજપે પોતાના સંનિષ્ઠ કાર્યકર્તાઓની કદર કરવી જોઈએ.' ત્યારે હવે નારણ કાછડિયાના આ નિવેદન પર કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર, મનીષ દોષી અને પ્રતાપ દુધાતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂરું થતા જ ભાજપમાં આંતરિક કલેહ સામે આવ્યો છે. આવામાં કોંગ્રેસને હાલ ભાજપ પર પ્રહાર કરવા માટેની સારી તક મળી ગઈ છે.
કોંગ્રેસ પ્રવક્તા ડૉ મનીષ દોશીએ કહ્યું કે, 'ભાજપમાં એક પછી એક પત્તા ખૂલી રહ્યાં છે. અસંતોષની ભાજપની આક્રોશ યાત્રા વડોદરા, સાંબરકાંઠા, આણંદ, વલસાડ, રાજકોટ બાદ હવે અમરેલી પહોંચ્યો છે. ભાજપમાં પત્રિકાકાંડ થયો છે. સાંસદ નારણ કાછડીયાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. અમરેલીનાં સાંસદ નારણ કાછડીયા ખુલીને સામે આવ્યા આ તેમની વ્યથા છે. ભાજપમાં ત્રણ પ્રકારના જૂથ પક્ષપલટો કરીને આવેલા લોકો મુદ્દે વ્યથા છે. મૂળ કાર્યકરનું અપમાન થાય છે આ તેનો આક્રોશ છે. પક્ષમાં જે ગોઠવણ ચાલે છે તેની વાત તેમને કરી છે. ભાજપમાં ખરીદ વેચાણ, નાણાં સહિતના ખેલ થઈ રહ્યા છે, જેની સામે મૂળ કાર્યકરો નારાજ છે.'