સુરત બેઠક પરથી કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું

April 21, 2024

સુરત : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. સુરત લોકસભા બેઠક પરના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું છે. ભાજપના ચૂંટણી એજન્ટે ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવ્યો હતો. ગાયબ થયેલા ચારેય ટેકેદારો હાજર ન થતા ફોર્મ રદ કરવાનો નિર્ણય કરાયો છે. તો કોંગ્રેસ હવે ગુજરાતમાં 23 બેઠકો પર ચૂંટણી લડશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની વાત રાખી હતી, ત્યારે હવે ચૂંટણી અધિકારી અને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે.
સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ ગઈકાલે (શનિવાર) ચૂંટણી વિભાગ દ્વારા ઉમેદવારી પત્રની ચકાસણી શરૂ કરાઈ હતી.

ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી કે નિલેશ કુંભાણીના ફોર્મમાં ત્રણેય ટેકેદારની સહી ખોટી છે, આ સાથે તેમના ડમી ઉમેદવારના ટેકેદારની સહીઓ પણ ખોટી છે. જોકે ત્યારબાદ ટેકેદારોએ પણ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને પોતાની સહી ખોટી હોવાનું સોગંદનામું કર્યું હતું. પછી તમામ ટેકેદારો ગાયબ થઈ ગયા હતા. જેને લઈને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીને ફોર્મ રદ કરવું કે નહીં તે અંગે શો-કોઝ નોટિસ પાઠવી હતી. ત્યારબાદ નિલેશ કુંભાણી અને તેના વકીલ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન કોંગ્રેસે વધુ એક દિવસનો સમય માંગ્યો હતો, જેથી ચૂંટણી અધિકારીએ આજે (રવિવાર) સુનાવણી કરી હતી. જે દરમિયાન ગાયબ થયેલા ચારેય ટેકેદારો હાજર ન થતા સુરત જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું છે. બીજી તરફ આ નિર્ણયના વિરોધમાં કોંગ્રેસે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી છે.