દિલ્હીના ગાઝીપુરમાં કચરાના પહાડમાં લાગી વિકરાળ આગ:13 કલાકથી ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવામાં વ્યસ્ત

April 22, 2024

દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટમાં રવિવાર સાંજથી ભીષણ આગ ફાટી નીકળી છે. છેલ્લા 12 કલાકથી ડમ્પિંગ યાર્ડમાંથી આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા ઉઠી રહ્યા છે. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

દિલ્હી ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે તેમને રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે આગની માહિતી મળી હતી. શરૂઆતમાં બે ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હતા. બાદમાં વધુ 8 વાહનોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 4 વાહનો ડમ્પીંગ યાર્ડના ઉપરના ભાગે છે.

આગનું કારણ ગરમ અને શુષ્ક હવામાન હોવાનું જણાવવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભીનો ભંગાર દટાઈ જાય છે અને ગરમી ઉત્પન્ન કરે છે. પછી તેમાં ગેસ બને છે, જે આગનું કારણ બને છે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

કચરાના ઢગલામાંથી નીકળતા ધુમાડાના કારણે આસપાસની વસાહતોમાં રહેતા લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. લોકોએ સરકાર અને વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.