લડ્યા વગર ભાજપે સુરત જીત્યું તો ચૂંટણી પંચમાં ફરિયાદ લઈને પહોંચી કોંગ્રેસ, ફરી ચૂંટણી પ્રક્રિયા કરાવવા માગ

April 23, 2024

સુરત  : સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત હાલમાં વિવાદમાં છે. સુરતમાં બે દિવસ ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ગઈકાલે લોકસભામાં ભાજપે પહેલી જીત નોંધાવી હતી. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને ભાજપે વાંધા અરજી દાખલ કરી હતી. ત્યારબાદ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. સુરતમાં લોકસભા બેઠક પર કોંગ્રેસના લોકસભા ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ બાકીના 8 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લેતા મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા. હવે કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, મુકેશ દલાલને અયોગ્ય પ્રભાવથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે માગ કરી છે કે આ બેઠક પર નવેસરથી ચૂંટણી થવી જોઈએ. પાર્ટીએ દાવો કર્યો છે કે ભાજપ કારોબારી સમુદાયથી ડરી ગઈ છે જેના કારણે તેણે સુરત લોકસભા બેઠક પર મેચ ફિક્સિંગનો પ્રયાસ કર્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે વડાપ્રધાન મોદીના અન્યાય કાળમાં લઘુ, નાના અને MSME તથા કારોબારી સમુદાય પરેશાન છે. તેમના ગુસ્સાએ ભાજપને એટલું ડરાવી દીધું કે, તેમણે સુરત લોકસભા બેઠક પર મેચ ફિક્સિંગ કરી. આપણી ચૂંટણીઓ, લોકશાહી, બાબાસાહેબ આંબેડકરનું બંધારણ બધું જ ખતરામાં છે. આ અમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે.

કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો સાથે મુલાકાત કરી માગ કરી છે કે, સુરતમાં ફરીથી ચૂંટણી પ્રક્રિયા કરાવવામાં આવે. સિંઘવીએ ચૂંટણી કમિશનરો સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે અમે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે, સુરત બેઠક પરની ચૂંટણીને સ્થગિત કરવામાં આવે અને શક્ય તેટલી વહેલી તકે ફરીથી ચૂંટણી યોજવામાં આવે જેથી એક સ્પષ્ટ સંદેશ જાય કે તમે ખોટો પ્રભાવ ઉભો કરીને ફાયદો ઉઠાવી શકતા નથી.