સુરતમાં ટેક્સટાઈલના મોટા ગ્રૂપ પર દરોડા

May 09, 2024

ગુજરાતની તમામ લોકસભા બેઠકો અને વિધાનસભા પેટાચૂંટણીની બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું છે. જોકે મતદાન પૂરું થયાને હજુ માંડ બે દિવસ થયા ત્યાં આવકવેરા વિભાગ (IT) એક્શન મોડમાં આવી ગયો છે. સુરતમાં ટેક્સટાઈલ ક્ષેત્રના એક મોટા ગ્રૂપમાં દરોડાની કાર્યવાહીના અહેવાલ મળી રહ્યા છે. 

માહિતી અનુસાર સુરતના ટેક્સટાઈલ ક્ષેત્રના ઐશ્વર્યા ગ્રૂપ પર આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. 40થી વધુ અધિકારીઓની આવકવેરા વિભાગની ટીમ લગભગ એકસાથે જ 12 જગ્યાએ આ દરોડા શરૂ કર્યા હતા અને નિરીક્ષણની કાર્યવાહી શરૂ કરી હતી. 

માહિતી મુજબ ઐશ્વર્યા ગ્રૂપની સાથે સાથે સુરતના ડુમ્મસ રોડ પર એક કોલસાના ધંધાર્થીને ત્યાં પણ આઈટીએ તવાઈ બોલાવી હતી. કોલ બિઝનેસ ગ્રૂપ સાથે સંકળાયેલા મોરબીના સીરામિક ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આઈટી વિભાગના સૂત્રો અનુસાર મોટાપાયે બેનામી વ્યવહારોની થયા હોવાની માહિતી છે અને તેને લઈને જ આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.