6.3ની તીવ્રતાથી ધણધણી ઊઠ્યું તાઈવાન, 20 દિવસમાં બીજો ભૂકંપ

April 23, 2024

આ મહિને તાઈવાનમાં ફરી એક મોટો ભૂકંપ આવ્યો. દેશના પૂર્વ કિનારે સોમવારે સાંજે 5 થી રાતના 12 વાગ્યાની વચ્ચે 80થી વધુ આંચકા અનુભવાયા હતા. આમાંથી મોટાભાગની તીવ્રતા 6.3 અને 6 નોંધાઈ હતી. ભારતીય સમય અનુસાર રાત્રે 12 વાગ્યાની આસપાસ થોડી મિનિટોના અંતરે આ બંને આંચકા આવ્યા હતા. તાઈવાનમાં રાતના 2:26 અને 2:32 વાગ્યા હતા.

હવામાન વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર હુલિએનની પૂર્વીય કાઉન્ટીમાં જમીનથી 5.5 કિલોમીટર નીચે હતું. ભૂકંપના કારણે હુલિએનમાં બે ઈમારતોને નુકસાન થયું હતું. આમાથી એક ઈમારત ધરાશાયી થઈ, તો બીજી રસ્તા તરફ નમી ગઈ હતી. જાપાન, ચીન અને ફિલિપાઈન્સમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. હાલ કોઈ નુકસાનના સમાચાર નથી.

આ પહેલા તાઈવાનમાં 3 એપ્રિલે 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 14 લોકોના મોત થયા હતા. તે સમયે હુઆલીન શહેરમાં જ ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર પૃથ્વીથી 34 કિલોમીટર નીચે હતું.

ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી, ભૂસ્ખલન પણ થયું હતું. ત્યાર બાદ તાઈવાનમાં સેંકડો આંચકા અનુભવાયા છે.

તાઈવાનના સેન્ટ્રલ વેધર બ્યુરોના જણાવ્યા અનુસાર, 25 વર્ષમાં તાઈવાનમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે 3 એપ્રિલે હુલિએનમાં આવેલા ભૂકંપમાં હોટલને નુકસાન થયું હતું. હાલના આંચકાને કારણે તે થોડી વધારે નમી ગઈ છે.