ફોર્મ રદ કરવાની જોગવાઈ કાયદામાં નથી, નિલેશ કુંભાણીને પૈસાની ઓફર કરાઈ હતી : શક્તિસિંહ

April 21, 2024

સુરત- ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. સુરત લોકસભા બેઠક પરના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) અને તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું ફોર્મ રદ કરાયું છે. જેને લઈને ગુજરાતમાં કોંગ્રેસ હવે 23 બેઠકો પર જ ચૂંટણી લડશે. પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરતથી ચૂંટણી નહીં લડી શકે. ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર સૌથી મોટો આક્ષેપ કર્યો છે.


સુરત લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલશ કુંભાણીની ઉમેદવાર રદ થવા અંગે શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, 'નિલેશ કુંભાણીને પૈસાની ઓફર કરાઈ હતી. નિલેશ કુંભાણીએ તેના પર દબાણ હોવાની વાત મને કરી હતી. સામાજિક રીતે હેરાન કરાઈ રહ્યા હોવાની ફરિયાદ પણ તેમણે કરી હતી. કાયદાની જોગવાઈ મુજબ જો ઉમેદવારી પત્રમાં ટેકેદારની સહી ના હોય તો, ઉમેદવારી રદ થાય. ટેકેદાર ફોર્મ ભરાઈ ગયા બાદ કહે કે મારી સહી નથી તો ફોર્મ રદ ના થાય.'
શક્તિસિંહે ભૂતકાળનો દાખલો ટાંકિને કહ્યું હતું કે, '2012ની વિધાનસભાની ચૂંટણીમાં સુરત પૂર્વમાં આવી જ સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે આપેલો નિર્ણય અને હાલમાં આપેલ નિર્ણય બન્ને અલગ અલગ છે. એક જ બાબતે બે અલગ અલગ ઉમેદવારો માટે અલગ અલગ નિર્ણય કેવી રીતે હોઈ શકે. ચૂંટણી પંચને વિનંતી કરું છું કે નિષ્પક્ષ ચૂંટણી કરાવો.' શક્તિસિંહે કહ્યું હતું કે, 'ફોર્મમાં અને અરજીમાં કરાયેલ ટેકેદારની સહીને FSLમાં મોકલીને તેની સત્યતા ચકાસવી જોઈએ. બંનેમાં થયેલી સહી એક જ વ્યક્તિઓની છે કે કેમ તે પણ ચકાસવું જોઈએ. ભાજપના ડરાવવાથી ટેકેદારો ફરી ગયા છે. ફોર્મ રદ કરવાની જોગવાઈ કાયદામાં નથી. કોંગ્રેસની લીગલ ટીમ હાઇકોર્ટમાં જશે. ગુજરાત હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરશે. ઇલેક્શન પિટિશન કરવા ડ્રાફ્ટ તૈયાર કરાયો છે.'