સેન્સેક્સ સળંગ બે દિવસમાં 1160 પોઈન્ટ સુધર્યો, રોકાણકારોની મૂડી 4.4 લાખ કરોડ વધી

April 22, 2024

વૈશ્વિક શેરબજારોના સથવારે તેમજ સ્થાનીય સ્તરે પોઝિટવ ત્રિમાસિક પરિણામોની અપેક્ષાએ આજે સેન્સેક્સ અને નિફ્ટી સતત બીજા દિવસે સુધારા સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 560.29 પોઈન્ટ સુધારા સાથે 73648.62 પર, નિફ્ટી 131.15 પોઈન્ટના સુધારા સાથે 22278.15 પર બંધ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી આજે 4.4 લાખ કરોડ વધી છે. ઉલ્લેખનીય છે કે, જિયો-પોલિટિકલ ક્રાઈસિસ અને ફેડ હોકિશ વલણના નિવેદનના પગલે સેન્સેક્સ અને નિફ્ટી અગાઉ સળંગ ચાર ટ્રેડિંગ સેશનમાં ઘટ્યા હતા. સેન્સેક્સ 2549.19 પોઈન્ટના કડાકા બાદ બે દિવસમાં 1159.63 પોઈન્ટ સુધર્યો છે.

બેન્કિંગ અને ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સિસ શેરોમાં ઉછાળાના પગલે શેરબજારમાં તેજી જોવા મળી હતી. ફાઈનાન્સિયલ સર્વિસિઝ, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યા હતા. આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, કોટક બેન્ક, એસબીઆઈ સહિતના બેન્કિંગ શેરોમાં વધુ વોલ્યૂમ સાથે શેરો ફોકસમાં રહ્યા હતા.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સ્થિતિ થાળે પડતી નજરે ચડી છે. ક્રૂડ ઓઈલના ભાવો પણ ઘટ્યા છે. જે શેરબજાર માટે પોઝિટીવ સંકેત આપી રહ્યા છે. પરંતુ યુએસ રેટ કટની શક્યતાઓ દૂર થતાં યુએસ બોન્ડ યીલ્ડ મજબૂત બની છે. જે વિદેશી રોકાણકારો દ્વારા મોટાપાયે વેચવાલીનું કારણ બની શકે છે. એન્જલ વનના ટેક્નિકલ-ડેરિવેટિવ રિસર્ચ હેડ સમિત ચ્વહાણે નિફ્ટી માટે 22000નો સપોર્ટ આપ્યો છે. 22430-22500ના રેઝિસ્ટન્સ લેવલ સાથે નિફ્ટી જળવાઈ રહે તો બુલિશ મોમેન્ટમ જોવા મળી શકે છે.