ગુજરાતમાં બેવડી ઋતુ સર્જાશે! 11થી 13 મે વચ્ચે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે : હવામાન વિભાગ

May 08, 2024

વલસાડ : ગુજરાતમાં બેવડી ઋતુના મારની આગાહી કરાઈ છે. જેમાં ગરમીના પ્રકોપની વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે. તો ગુજરાતમાં ગરમીને લઈને પણ આગાહી કરાઈ છે. IMDએ આગાહી કરી છે કે આગામી 5 દિવસોમાં ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશ સહિત દેશના વેસ્ટર્ન રીઝનમાં લૂ ફૂંકાવાની સંભાવના છે.

દરિયાકિનારાના વિસ્તારોમાં ભેજવાળા પવનો ફૂંકાશે. આગામી દિવસોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. ઉત્તર ભારતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી ભારે પવનના ઝાપટા અને વાવાઝોડા સાથે ખતરનાક બનશે. આરબ દેશમાંથી આવતી ધૂળની અસર પાકિસ્તાનના અન્ય ભાગો, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતને થશે. IMD અમદાવાદ દ્વારા કરાયેલી આગાહી અનુસાર, 11મી મેના રોજ ડાંગમાં છૂટાછવાયો વરસાદ, 12મી અને 13મી મેના રોજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે છે.

ચોમાસાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 'મે મહિનામાં કેટલાક સ્થળોએ વરસાદ થઈ શકે છે. 10થી 15 મે સુધી આંધી વંટોળ, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ભારે આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. પંચમહાલ, સાબરકાંઠા ,વડોદરા, ખેડા,અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.'

અંબાલાલે આગાહી કરતા જણાવ્યું કે, 'મે અને જૂન માસમાં સાગરકાંઠે ચક્રવાતો સાથે પવનના દબાણો વધશે. 16 મે બાદ બંગાળનાં ઉપસાગરમાં ચક્રવાતો સર્જાશે અને અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા છે. 17 જૂન પછી ભારે ગાજવીજ અને પવનના તોફાનો સાથે વરસાદ પડશે. આ વર્ષે ચોમાસામાં રાજ્યમાં ભારે વરસાદ રહેશે.