આતંકવાદ વિરુદ્ધ લડતમાં ટ્રમ્પ સરકાર ભારતની સાથે, અમેરિકાનું ફરી મોટું નિવેદન

May 06, 2025

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતને વૈશ્વિક મંચ પર આતંકવાદ સામે સંયુક્ત સમર્થન મળી રહ્યું છે. એવામાં હવે અમેરિકાએ પણ ભારતને ખુલ્લેઆમ સમર્થનની જાહેરાત કરી છે. યુએસ સંસદ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) ના સ્પીકર માઇક જોહ્ન્સને સ્પષ્ટ કર્યું કે અમેરિકા, ભારત સાથે મળીને, આતંકવાદને નાબૂદ કરવા માટે દરેક શક્ય પગલાં લેશે.  યુએસ સંસદના સ્પીકર માઇક જોહ્ન્સને કાશ્મીરના પહલગામ હુમલાની નિંદા કરતા જાહેરતા કરી કે, 'અમેરિકા શક્ય તેટલું બધું કરશે. મને લાગે છે કે આ રીતે સંબંધો વધુ મજબૂત બને છે. ટ્રમ્પ વહીવટીતંત્ર તેના મહત્ત્વને સ્પષ્ટપણે સમજે છે અને આતંકવાદના ખતરાને પણ સમજે છે.' આ મામલે જોહ્ન્સને વધુમાં કહ્યું, 'ભારતમાં જે કંઈ બન્યું છે તેના પ્રત્યે અમારી સહાનુભૂતિ તેમની સાથે છે. અમે અમારા સાથીઓ સાથે ઉભા રહેવા માંગીએ છીએ. મને લાગે છે કે ભારત ઘણી રીતે આપણો મહત્ત્વપૂર્ણ ભાગીદાર દેશ છે. બંને દેશો વચ્ચે વેપાર અંગેની વાટાઘાટો ટૂંક સમયમાં સફળ થશે. જો ખતરો વધશે, તો ટ્રમ્પ વહીવટીતંત્ર સંસાધનોની મદદથી તમામ શક્ય મદદ પૂરી પાડશે.' એવામાં હવે માઈક જોહ્ન્સનનું આ નિવેદન ભારત માટે ગ્રીન સિગ્નલ માનવામાં આવી રહ્યું છે. જેના કારણે પાકિસ્તાનની ચિંતા વધી છે.  22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. પહલગામ હુમલા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી.