આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારનો મોટો નિર્ણય, રાજ્યના વક્ફ બોર્ડને રદ કર્યો

December 01, 2024

દિલ્હી : હાલ દેશભરમાં વક્ફ બિલ-2024 મામલો ચર્ચાઈ રહ્યો છે, ત્યારે આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે વક્ફ બોર્ડ અંગે મોટો નિર્ણય લીધો છે. સરકારે અગાઉની જગન મોહન સરકાર દ્વારા બનાવાયેલા વક્ફર બોર્ડનો ભંગ કરી દીધો છે. રાજ્યના કાયદા અને લઘુમતી કલ્યાણ મંત્રી એન.મોહમ્મદ ફારુકે કહ્યું કે, શનિવારે આ મામલે આદેશ જારી કરાયા છે. ચંદ્રબાબુ નાયડુ સરકારે જૂના વક્ફ બોર્ડને રદ કરીને નવું બોર્ડ રચવાની જાહેરાત કરી છે. વર્તમાન સરકારે અગાઉની સરકાર દરમિયાન લઘુમતી કલ્યાણ વિભાગ દ્વારા જારી કરાયેલ જીઓ-47 રદ કરીને જીઓ-75 જારી કર્યો કર્યો છે. સરકારે જીઓ-75 રદ કરવા પાછળ અનેક કારણો આપ્યા છે.

અગાઉની જગન મોહન રેડ્ડી સરકાર દ્વારા લવાયેલા જીએ-47 વિરુદ્ધ 13 રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે. જૂના બોર્ડમાં સુન્ની અને શિયા સમુદાયના સ્કૉલર્સનું કોઈ પ્રતિનિધિત્વ નથી. આ ઉપરાંત બોર્ડમાં પૂર્વ સાંસદોને પણ સામેલ કરાયા નથી. બાર કાઉન્સિલ કેટેગરીમાંથી, જુનિયર એડવોકેટ્સની પસંદગી યોગ્ય માપદંડો વિના કરાઈ હતી, જેના કારણે કેસ દાખલ કરનારા વરિષ્ઠ વકીલોના હિતને નુકસાન થયું છે. જુના બોર્ડની ખામી ગણાવતા સરકારે એમ પણ કહ્યું છે કે, એસ.કે.ખાજાને બોર્ડના સભ્ય તરીકે પસંદગી કરાયા હતા, જોકે તેમના વિરુદ્ધ અનેક ફરિયાદો મળી હતી. વિવિધ કોર્ટ કેસના કારણે સ્પીકરની ચૂંટણી થઈ શકી નથી. વક્ફ બોર્ડ માર્ચ 2023થી નિષ્ક્રિય છે, જેના કારણે કામ અટકી ગયું છે.


છેલ્લા ઘણા સમયથી દેશભરમાં વક્ફ બિલ-2024ની ચર્ચાઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર સંસદમાં પણ આ બિલ લવાયું હતું, જોકે તે પસાર થઈ શક્યું નથી, તેથી હવે આ બિલ બજેટ સત્ર-2025માં રજુ કરવામાં આવશે. વકફ (સુધારા) બિલ એ 2024 માં રજૂ કરાયેલ એક કાયદાકીય દરખાસ્ત છે, જેનો ઉદ્દેશ્ય વક્ફ બોર્ડની કામગીરીમાં સુધારા અને પારદર્શિતા લાવવાનો છે. વક્ફ બોર્ડ, જે ભારતીય મુસ્લિમ સમુદાયની ધાર્મિક મિલકતોનું સંચાલન કરે છે. આ બિલ દ્વારા તેમાં કેટલાક સુધારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.