પાકિસ્તનમાં LPG ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, 6 લોકોના મોત, 31થી વધુ ઘાયલ

January 28, 2025

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એલપીજીથી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થતાં એક સગીર બાળકી સહિત છ લોકોના મોત થયા છે. સોમવારે આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં 31 લોકો ઘાયલ થયા છે. બચાવ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભયાનક અકસ્માત મુલતાનના હમીદપુર કનૌરા વિસ્તારના ઔદ્યોગિક વિસ્તારમાં થયો હતો.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, સોમવારે ટેન્કરમાં વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટ પછી, વાહનનો કાટમાળ આસપાસના રહેણાંક વિસ્તારો પર પડ્યો, જેના કારણે ભારે નુકસાન થયું. બચાવ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના પછી તરત જ આગ ઓલવવા માટે 10થી વધુ ફાયર એન્જિન અને ફોમ આધારિત સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રારંભિક અહેવાલોમાં પાંચ લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી, પરંતુ એક ઘરમાંથી વધુ એક મૃતદેહ મળ્યા બાદ મૃત્યુઆંક વધીને છ થયો હતો. મૃતકોમાં એક સગીર બાળકી અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ સ્થળની આસપાસના લગભગ 20 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જ્યારે 70 મકાનોને આંશિક નુકસાન થયું છે.