લંડનમાં મૂળ ભારતીય મહિલાની હત્યા, પરિવારનો જમાઈ પર આરોપ

December 15, 2024

લંડન : લંડનમાં રહેતી 24 વર્ષની ભારતીય મહિલા હર્ષિતા બ્રેલ્લાની હત્યાનો મામલો સામે આવ્યો છે. તેનો મૃતદેહ 14 નવેમ્બરે એક કારની ડેકીમાંથી મળી આવ્યો હતો. હર્ષિતાની માતા સુદેશ કુમારીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, મારી દીકરીએ થોડા અઠવાડિયા પહેલાં જણાવ્યું હતું કે, મારો પતિ મને મારી નાંખશે. હર્ષિતાએ પોતાની માતાને કહ્યું હતું, 'હું તેની પાસે પરત નહીં જઉ. તે મને મારી નાંખશે. મારો પતિ (પંકજ લામ્બા) મારી જિંદગી માટે નરક બની ગયો છે.'
હર્ષિલા બ્રેલ્લા આ વર્ષે એપ્રિલમાં ભારતથી લંડન ગઈ હતી. તેના લગ્ન પંકજ લામ્બા સાથે ઓગસ્ટ, 2023માં થયા હતાં. પોલીસનું કહેવું છે કે, હર્ષિતાની હત્યા કરતાં પહેલાં ગળું દબાવીને મારવામાં આવી હતી. પોલીસે પંકજ લામ્બાને મુખ્ય આરોપી બનાવ્યો છે, પરંતુ તે હાલ ભારતમાં છે. હર્ષિતાના પરિવારનો આરોપ છે કે, બ્રિટિશ પોલીસે તેની મદદ માટે કોઈ પગલું ન લીધું. વળી, સ્થાનિક પોલીસનું કહેવું છે કે, બ્રિટિશ અધિકારીઓએ હજુ સુધી ભારતને મદદ માટે સંપર્ક નથી કર્યો. 


હર્ષિતાના પિતા સતબીર બ્રેલ્લાએ પણ પોતાના જમાઈ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, પંકજ લામ્બાએ હર્ષિતાને એટલી ખરાબ રીતે મારી હતી કે, ગર્ભાવસ્થામાં તેનું ગર્ભપાત થઈ ગયું હતું. મારી દીકરીએ અનેક વાર જણાવ્યું હતું કે, પંકજ તેને જાહેરમાં મારતો અને તે ખૂબ રડતી હતી.