ભત્રીજા યુગેન્દ્રએ કાકા અજિત પવારની વધારી મુશ્કેલી! EVMની તપાસ કરાવવા 9 લાખ ફી આપી

December 01, 2024

137 EVM સેટમાં માઈક્રોકન્ટ્રોલરની તપાસ કરવા માંગ

બારામતી : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પરિણામ જાહેર થયા બાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર સતત આંગળી ચીંધાઈ રહી છે. પરિણામો બાદ રાજ્યના અનેક ઉમેદવારોએ ઈવીએમમાં માઈક્રોકન્ટ્રોલર વેરિફિકેશન કરવા માટે ચૂંટણી પંચમાં અરજીઓ કરી છે. પૂણેના 21 વિધાનસભા ક્ષેત્રોમાંથી 11 ઉમેદવારોએ માઈક્રોકન્ટ્રોલરની ફરી તપાસ કરવા માટે ચૂંટણી પંચને વિનંતી કરી છે.


શરદ પવારની NCPSP પાર્ટીના બારામતી વિધાનસભા વિસ્તારના ઉમેદવાર યુગેન્દ્ર પવારે પણ 19 EVMના માઈક્રોકન્ટ્રોલરનું વેરિફિકેશન કરવા માટે જિલ્લા વહિવટીતંત્રને અરજી કરી છે. આ તપાસ કરાવવા માટે તેમણે ચૂંટણી પંચે 8.96 લાખ રૂપિયાની ચૂકવણી કરી છે. આ ઉપરાંત માઈક્રોકન્ટ્રોલરનું વેરિફિકેશન કરાવવા માટે અન્ય ઉમેદવારોની વાત કરીએ તો NCPSPના હડપસરના ઉમેદવાર પ્રશાંત જગતાપ અને પુણે કેંટના કોંગ્રેસ ઉમેદવાર રમેશ બાગવેએ પણ અરજી કરી છે. ચૂંટણી પંચના નિયમ મુજબ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ માઈક્રોકન્ટ્રોલરનું વેરિફિકેશન કરવા માટે સાત દિવસની અંદર અરજી કરવાની હોય છે. જિલ્લાભરના ઉમેદવારોએ 137 EVM સેટમાં માઈક્રોકન્ટ્રોલરની ચકાસણીની માંગ કરી છે. આ માટે તેઓએ ચૂંટણી પંચને 66.64 લાખ રૂપિયાની ફી ચૂકવી છે.