મહારાષ્ટ્રમાં CMની ખુરશી નહીં, બે પાવરફુલ પદ માટે ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ

December 01, 2024

દિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની પ્રચંડ જીત બાદ હજુ સુધી સરકારનું ગઠન થઈ શક્યું નથી.  શરૂઆતમાં મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ ચાલી. જોકે હવે શિંદે અને પવાર બંને તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી તો ભાજપનો જ કોઈ નેતા હશે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ બેઠકો મળી છે, પણ અજિત પવાર અને એકનાથ શિંદેના પક્ષે પણ સારો દેખાવ કર્યો છે. એવામાં આ બંને નેતાઓ પોતાનું કદ નાનું થવા દેવા માંગતા નથી. શરૂઆતમાં એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદને લઈને જાહેરાત કરી કે ત્રણેય પક્ષ ભેગા થઈને નક્કી કરશે કે કોને સમાન સોંપવી. જોકે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની બેઠક બાદ તેઓ 'એકાંતવાસ'માં જતાં રહ્યા હતા. એકનાથ શિંદે પોતાના વતન સાતારા જતાં રહ્યા. જેના કારણે સરકાર ગઠનની સમગ્ર પ્રક્રિયા અટવાઈ ગઈ. હજુ મુખ્યમંત્રી કોણ બનશે તે નક્કી નથી પણ ભાજપે શપથવિધિની તારીખ જાહેર કરી નાંખી. એવામાં આજે શિંદેએ સાતારાથી થાણે પરત આવ્યા હતા અને તેમના સૂર બદલાયા છે. શિંદેએ કહ્યું છે, કે પીએમ મોદી અને અમિત શાહને જેને પણ સીએમ બનાવશે. તેને હું સમર્થન આપીશ. હું તો આરામ કરવા માટે ગામડે ગયો હતો. 


જોકે હવે સવાલ એ થાય છે કે મહાયુતિમાં બધુ સારું જ હોય તો સરકારના ગઠનમાં આટલો સમય કેમ લાગી રહ્યો છે? સૂત્રો અનુસાર શિવસેના અને ભાજપ વચ્ચે ગૃહ મંત્રાલય અને વિધાનસભા અધ્યક્ષ પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. એકનાથ શિંદેનું કહેવું છે કે જો તમે મારી પાસેથી મુખ્યમંત્રી પદ લઈ રહ્યા હોવ તો મને મોટા મંત્રાલય આપવા પડશે. કારણ કે મારા નેતૃત્વ હેઠળ જ ચૂંટણી થઈ હતી. ભારતીય જનતા પાર્ટી પાસે વિધાનસભામાં સંખ્યાબળ ખૂબ વધારે છે. એવામાં ફડણવીસ નથી ઈચ્છતા કે વિધાનસભા અધ્યક્ષ કે પછી ગૃહ ખાતું તેમના હાથમાંથી જાય. કારણ કે અજિત પવાર પણ ડેપ્યુટી CM બનશે તો શક્યતા છે કે તેમને તેમનું મનપસંદ નાણાં ખાતું આપવામાં આવશે. એવામાં જો બીજા મોટા ખાતા એકનાથ શિંદેને આપી દે ફડણવીસ પાસે મુખ્યમંત્રીનું પદ માત્ર દાંત વગરના હાથી સમાન રહી જાય. 


દિલ્હીમાં થયેલી બેઠક બાદથી એકનાથ શિંદે એકાંતમાં હતા. બીજી તરફ ભાજપ નેતા રાવસાહેબ દાનવેએ નિવેદન આપ્યું છે, કે CMનું નામ નક્કી થઈ જ ગયું છે. બસ પાર્ટી હાઇકમાન્ડ તરફથી મહોરની રાહ છે. મહારાષ્ટ્રના લોકો જાણે જ છે કે આગામી મુખ્યમંત્રી કોણ હશે. નવા મુખ્યમંત્રી જ નક્કી કરશે કે મંત્રીમંડળમાં કોને શું જવાબદારી આપવી.