IPLમાં 6 ટીમોનું ભાગ્ય આજે થશે નક્કી, 4 ટીમનું પ્લેઓફનું સપનું તૂટી શકે, 2 ટોપ-4થી બહાર ફેંકાઈ શકે

May 08, 2024

IPL 2024માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો છે. આ ટૂર્નામેન્ટની 57મી મેચ છે. જો આ મેચને સૌથી મહત્વપૂર્ણ મુકાબલો કહેવામાં આવે તો એમાં કંઈ ખોટું નથી. આ મેચ મેદાનમાં આમને-સામને ઉતરનારી 2 ટીમો SRH અને LSGની ટીમોનું ભાગ્ય તો નક્કી થશે જ પણ તેની સાથે-સાથે અન્ય 6 ટીમોનું ભાગ્ય પણ જોડાયેલું છે. 
સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપરજાયન્ટ્સનો મુકાબલો બુધવારે હૈદરાબાદમાં થવા જઈ રહ્યો છે, જ્યાં મંગળવારે ભારે વરસાદ પડ્યો હતો. બુધવારે પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રાત્રે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જો હૈદરાબાદ અને લખનઉ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થશે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ આપી દેવામાં આવશે. એટલે કે બંનેના 13-13 પોઈન્ટ થઈ જશે. આ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને અને લખનઉ સુપરજાયન્ટ્સ ચોથા નંબર પર પહોંચી જશે. જો SRH-LSG મેચ વરસાદને કારણે રદ થશે તો તેનું સીધુ નુકશાન ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સને થશે. આ સાથે ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજાથી પાંચમા નંબર પર પહોંચી જશે. દિલ્હી છઠ્ઠા નંબર પર પહોંચી જશે. દિલ્હીની ટીમ એક દિવસ પહેલા સુધી છઠ્ઠા નંબર પર હતી. જો કે, તેમ છતાં દિલ્હી અને ચેન્નાઈ બંને પાસે પ્લેઓફમાં જગ્યા બનાવવાની તક રહેશે.જો SRH-LSG મેચ વરસાદના કારણે રદ થશે તો ચાર ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સને એક સાથે ઝટકો લાગશે. આ ચાર ટીમોના હાલ 8-8 પોઈન્ટ છે. બેંગ્લોર, પંજાબ અને ગુજરાતની 3-3 મેચ અને મુંબઈની 2 મેચ બાકી છે. એટલે કે RCB, પંજાબ અને ગુજરાત મહત્તમ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. મુંબઈ 12 પોઈન્ટથી આગળ ન જઈ શકે. જો લખનઉ-હૈદરાબાદ મેચમાં પોઈન્ટ વિભાજિત થઈ જશે તો મુંબઈ ઓફિશિયલી રીતે પ્લેઓફમાંથી બહાર થઈ જશે. બીજી તરફ, ચાર ટીમો (SRH, LSG, CSK, DC) પાસે 12 કે તેથી વધુ પોઈન્ટ્સ હોવાનો અર્થ એવો થશે કે RCB, પંજાબ અને ગુજરાતે માત્ર ચમત્કારની આશા રાખવી જોઈએ. તેઓ તેમની તમામ મેચો જીતે અને SRH, LSG, CSK, DCમાંથી ઓછામાં ઓછી ત્રણ ટીમો હારવા માટે પ્રાર્થના કરે.