સ્ટીવ જોબ્સના પત્નીને કાશીમાં શિવલિંગને સ્પર્શ કરવાની અનુમતિ કેમ ન અપાઈ, ગંગામાં લગાવશે ડૂબકી

January 12, 2025

કાશી : મહાકુંભ મેળાની મુલાકાતે આવેલા એપલ કંપનીના કો-ફાઉન્ડર સ્ટેડ જોબ્સના પત્ની લોરેન પોવેલ જોબ્સ શનિવારે બાબા વિશ્વનાથના દર્શન કર્યા હતાં. કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા પછી લોરેન પોવેલ જોબ્સ હવે પ્રયાગરાજ જઈ ગંગામાં ડૂબકી લગાવશે અને મહાકુંભમાં હાજરી આપશે. લોરેન પોવેલ જોબ્સની કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત ચર્ચામાં આવી છે. કારણકે, આ મંદિરમાં તેમને શિવલિંગને સ્પર્શ કરતાં અટકાવવામાં આવ્યા હતા. 
જ્યારે લોરેન કાશી વિશ્વનાથ મંદિરની અંદર હતી ત્યારે તેમને ત્યાં શિવલિંગને સ્પર્શ કરવાથી રોકી દેવામાં આવ્યા હતાં. નિરંજની અખાડાના આચાર્ય કૈલાશ નંદગીરી મહારાજે જણાવ્યું કે, ‘સ્ટીવ જોબ્સની પત્નીએ અમારી સાથે કાશી વિશ્વનાથમાં મહાદેવના દર્શન કર્યા હતા. તેમને નિયમો અનુસાર શિવલિંગને સ્પર્શ કરવાની મંજૂરી આપવામાં આવી નથી કારણ કે ભારતીય પરંપરા અનુસાર હિન્દુ ધર્મ સિવાય અન્ય કોઈને શિવલિંગને સ્પર્શ કરવાની મંજૂરી નથી. તેમણે બહારથી જ દર્શન કર્યા હતાં. આપણી પરંપરા સર્વોપરી છે. આપણી પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી આચાર્ય અને શંકરાચાર્યની છે. તે અમારી સાથે આવી, તે અમારી દીકરી છે. તેણીએ આવીને મહાદેવ સમક્ષ માથું નમાવ્યું. તે અમારી પરંપરાને સમજે છે. તે કુંભમાં પણ હાજર રહેશે.