મહારાષ્ટ્રમાં MPSC ગેરરીતિ સામે અભિજિત દીપકેનો મોરચો, 24 સપ્ટેમ્બર સુધી અલ્ટીમેટમ

September 14, 2026

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ મહારાષ્ટ્રની ભાજપ સરકાર સામે મહારાષ્ટ્ર લોક સેવા આયોગ (MPSC)ની પરીક્ષાઓમાં પેપર લીક અને ઓનલાઇન પરીક્ષાઓમાં ગેરરીતિના વિરોધમાં નવા આંદોલનની જાહેરાત કરી છે. MPSCના કેટલાક ઉમેદવારોએ અગાઉ છત્રપતિ સંભાજીનગરના વાલુજ વિસ્તારમાં આવેલા દીપકેના ઘરે મુલાકાત લીધી હતી. ત્યારબાદ દીપકે અને CJPના અન્ય નેતાઓ ચાલુ વિરોધ પ્રદર્શનમાં જોડાવાની જાહેરાત કરી હતી.

CJPની પ્રેસ રિલીઝ મુજબ MPSCના અધ્યક્ષ અને સચિવના રાજીનામાની માંગ સાથે આંદોલન ચાલુ રાખવામાં આવશે. 24 સપ્ટેમ્બર સુધીમાં બંનેના રાજીનામાં નહીં આવે તો MPSCના ઉમેદવારો સાથે રાજ્યવ્યાપી પ્રવાસ શરૂ કરવામાં આવશે. દીપકેએ સ્પષ્ટ કર્યું હતું કે રાજીનામું ન મળે ત્યાં સુધી તેઓ વિદ્યાર્થીઓની લડાઈમાં તેમની સાથે ઊભા રહેશે.

પૂણેમાં MPSCની તૈયારી કરી રહેલા 28 વર્ષીય પ્રથમેશ દેશમુખે આત્મહત્યા કરી હતી. તેની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં આશરે 2.5 લાખ રૂપિયાના દેવાનો ઉલ્લેખ હતો. દીપકેએ પ્રથમેશના પરિવારજનોની મુલાકાત બાદ કહ્યું હતું કે પેપર લીક અને પરિણામોમાં વિલંબના કારણે વિદ્યાર્થીઓ પર વધી રહેલા માનસિક દબાણને પગલે આ ઘટના બની છે અને તેને વ્યવસ્થા દ્વારા કરાયેલી હત્યા સમાન ગણાવી હતી.

આ દરમિયાન દીપકેએ મહારાષ્ટ્રમાં સરકાર સામે આંદોલન કરી રહેલા મનોજ જરાંગેની મુલાકાત લઈને તેમને સમર્થન આપ્યું હતું. તેમણે સવાલ કર્યો હતો કે શું સરકાર જરાંગેને સોનમ વાંગચુકની જેમ 26 દિવસ સુધી ભૂખ્યા રાખવા માંગે છે? દીપકેએ ચેતવણી આપી હતી કે મનોજ જરાંગેને સ્પર્શ કરવાનો કોઈ પ્રયાસ કરશે તો આખું મહારાષ્ટ્ર મેદાને ઉતરશે.