વ્હિપ પછીયે 20 સાંસદ ગેરહાજર, ભાજપની નોટિસ ફટકારવાની તૈયારી

December 17, 2024

દિલ્હી : લોકસભામાં આજે (17 ડિસેમ્બર) વન નેશન, વન ઈલેક્શન બિલ રજુ કરવામાં આવ્યું હતું. આ માટે ભાજપે વ્હિપ પણ જાહેર ક્યું હતું, જોકે તેમ છતાં કેટલાક સાંસદો ગેરહાજર રહ્યા હતા. જેના કારણે ભાજપે તે સાંસદો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. ભાજપ ગેરહાજર રહેનારા સાંસદોને નોટિસ ફટકારશે. ભાજપના 20થી વધુ સાંસરદો આજે મતદાન વખતે ગૃહમાં હાજર ન હતા. ભાજપે લોકસભાના સભ્યોને મંગળવારે ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઈનનો વ્હિપ જાહેર કર્યો હતો.


જ્યારે આ બિલ લોકસભામાં રજુ કરાયું ત્યારે એનડીએના સાથી પક્ષ જનસેનાના બાલાસૌરી તેમજ કેટલાક કેન્દ્રીય મંત્રીઓ પણ ગેરહાજર રહ્યા હતા. હવે ભાજપ આ સાંસદોને નોટિસ ફટકારશે. ગેરહાજરનો રિપોર્ટ આવ્યા બાદ આગળ શું કાર્યવાહી કરવી, તેનો નિર્ણય કરવામાં આવશે. ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ, જ્યારે લોકસભામાં બિલ રજુ કરવામાં આવ્યું ત્યારે શાંતનુ ઠાકુર, જગદંબિકા પાલ, બી.વાઈ. રાઘવેન્દ્ર, ગિરિરાજ સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નિતિન ગડકરી, વિજય વધેલ, ઉદયરાજ ભોંસલે, ભાગીરથ ચૌધરી, જગન્નાથ સરકાર, જયંત કુમાર રૉય સહિત અનેક સાંસદો ગેરહાજર રહ્યા હતા.

ભાજપ વ્હિપનું ઉલ્લંઘન કરવા બદલ ગેરહાજર રહેનારા સાંસદોનો નોટિસ પાઠવીને જવાબ માંગશે. ભાજપ વ્હિપ જાહેર કરે અને જો કોઈ સાંસદ ગેરહાજર રહે તો તે સાંસદે કારણો બતાવી સૂચના આપવાની હોય છે. જો કોઈ કારણવગર ગેરહાજર રહે તો પાર્ટી તેને નોટિસ ફટકારીને જવાબ માંગે છે. ગેરહાજર સાંસદોના જવાબથી ભાજપને સંતોષ નહીં થાય તો અનુશાસનાત્મક કાર્યવાહી થઈ શકે છે.