કેનેડામાં વેપારીઓ પાસે ખંડણી વસૂલ કરતી ટોળકીની ધરપકડ, તમામ સભ્યો ભારતીય મૂળના

February 09, 2024

ઓટાવા- ભારતમાં ઘણી જગ્યાએ વ્યવસાયીઓ પાસેથી ખંડણી માંગવાની ઘટનાઓ બનતી હોય છે. જોકે કેનેડામાં સ્થાયી થયેલા ભારતીયોએ હવે કેનેડામાં પણ આ જ પ્રકારનુ કામ શરુ કર્યુ છે. કેનેડાની પોલીસે ગ્રેટર ટોરન્ટો વિસ્તારમાં દક્ષિણ એશિયાના વ્યવસાયિઓને ટાર્ગેટ કરીને ખંડણી  ઉઘરાવવાના, ધમકી આપવાના મામલામાં ભારતીય મૂળની બે મહિલાઓ સહિત પાંચની ધરપકડ કરી છે. 
24 જાન્યુઆરીએ પોલીસ દ્વારા બ્રેમ્પટન વિસ્તારમાંથી ચાર લોકોની આ મામલામાં ધરપકડ કરાઈ હતી. જેમાં 23 વર્ષીય ગગન અજિત સિંહ, મિસિસોગાના 23 વર્ષીય અનમોલ દીપ સિંહ, 25 વર્ષીય હશમીત કોર અને 21 વર્ષીય ઈમાનજોત કોરનો સમાવેશ થાય છે. પોલીસે તેમની સામે ખંડણી ઉઘરાવવાની સાથે સાથે ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા બદલ કેસ દાખલ કર્યો છે. જ્યારે 39 વર્ષીય અરુણદીપ થિંડ પર આ ઘટનામાં અલગથી કાર્યાહી કરવામાં આવી છે. 


26 જાન્યુઆરીએ 32 વર્ષીય વ્યક્તિએ ફોન અને વોટસએપ પર ખંડણી માટે ધમકી મળતી હોવાની જાણ પોલીસને કરી હતી. આ પહેલા પણ વેપારીઓ દ્વારા આ પ્રકારની ફરિયાદો પોલીસ સમક્ષ કરવામાં આવી હોવાથી ગત ડિસેમ્બરમાં પોલીસે કાર્યવાહી કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી હતી. પોલીસનુ કહેવુ છે કે અત્યાર સુધીમાં ખંડણી માંગવાની 29 ઘટનાઓ અમારા ધ્યાનમાં આવી છે. આ પૈકી નવ કેસમાં તો વેપારીઓ પર ફાયરિંગ પણ કરવામાં આવ્યુ હતુ. જોકે તેમાં કોઈને ઈજા થઈ નહોતી. 


પોલીસના કહેવા અનુસાર ખંડણી વસૂલતી ટોળકીએ રેસ્ટોરન્ટ, બેકરી, ટ્રાન્સપોર્ટેશન કંપનીઓ, કાર ડીલર શીપ એમ અલગ અલગ વ્યવસાયોને ટાર્ગેટ કર્યા હતા. જેના માલિકો દક્ષિણ એશિયાના છે. આ તમામ વ્યવસાયીઓનો પોન, સોશિયલ મીડિયા એપ કે પછી વોટસએપ થકી સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપીઓ અલગ અલગ વેપારી પાસે અલગ અલગ રકમ કેનેડિયન ડોલર કે ભારતીય રુપિયામાં માંગતા હતા. અમે ભારતીય પોલીસ એજન્સીઓનો પણ સંપર્ક કર્યો છે. 


પોલીસનુ માનવુ છે કે, હજી પણ બીજા વેપારીઓ આ ટોળકીનો ભોગ બન્યા હોવાની આશંકા છે. પોલીસ સમગ્ર રેકેટની તલસ્પર્શી તપાસ કરી રહી છે. જેથી સ્થાનિક સમુદાયને પણ ખબર પડે કે પોલીસ આવા મામલાઓમાં જાણકારી શોધી રહી છે અને લોકો માહિતી આપવા માટે આગળ આવે.