ઈઝરાયલની સાથે અમેરિકાને પણ ઝટકો, ઈરાને સૌથી શ્રેષ્ઠ મનાતું F35 ફાઈટર જેટ તોડી પાડ્યું

June 14, 2025

ઈરાને ઈઝરાયલ દ્વારા થઈ રહેલા હુમલા વચ્ચે ઈરાને દાવો કર્યો છે કે, તેણે 2 ફાઇટર જેટને તોડી પાડ્યા છે. આ ફાઇટર જેટ F-35 છે અને તેને અમેરિકાનું સૌથી ઉન્નત જેટ માનવામાં આવે છે. ઈરાને F-35 ચલાવનારા એક પાયલટને પકડવાનો પણ દાવો કર્યો છે. મળતી માહિતી મુજબ, આ ફાઇટર જેટ જેવું ઈરાનના એરસ્પેસમાં આવ્યું, ઈરાને તેને તોડી પાડ્યું હતું. ત્યારબાદ પાયલટ પેરાશૂટ દ્વારા નીચે ઉતરી રહ્યો હતો. પાયલટના નીચે ઉતરતાની સાથે જ ઈરાનના અધિકારીઓએ તેને પકડી લીધો હતો. જોકે, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સનું કહેવું છે કે, હજુ સુધી આ પ્રકારના કોઈ સમાચાર અમારી પાસે નથી આવ્યા. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ઓપરેશનને લઈને જે વીડિયો શેર કર્યો છે, તે મુજબ ઈરાનના લોકોને મારવા માટે IAFના જવાન RAAM (F-15I), SOUFA (F-16I) અને ADIR (F-35I)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ તમામ ફાઇટર જેટને ઈઝરાયલે અમેરિકા પાસેથી ખરીદ્યા હતાં. ઈરાન દ્વારા જે અમેરિકન વિમાનને તોડી પાડવાની વાત કરવામાં આવી રહી છે. તેના એક યુનિટની કિંમત 7 અબજ રૂપિયા છે. એટલે જો ઈરાનની વાત સાચી નીકળે તો હુમલામાં ઈઝરાયલને પહેલાંથી જ 15 અબજ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે. F-35 લડાકૂ વિમાનને અમેરિકાની પાંચમી જનરેશનના લડાકૂ વિમાન માનવામાં આવે છે. આ સ્ટીલ્થ ફાઇટર જેટ છે. અમેરિકા તેને સૌથી મજબૂત વિમાન કહીને વેચે છે. અમેરિકાના આ ફાઇટર જેટની કિંમત 90 મિલિયન ડૉલર (આશરે 7 અબજ રૂપિયા) છે. તેને સૌથી કિંમતી વિમાન માનવામાં આવે છે.