ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળગાવ્યા, પોલીસ સાથે અથડામણ

October 04, 2026

ફ્રાન્સ : ફ્રાન્સમાં શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ સામે હજારો હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ આંદોલન હવે દેશવ્યાપી સંકટ બની ગયું છે. દેશભરની શાળાઓના દરવાજા બંધ કરીને કચરાપેટીઓમાં આગ ચાંપવામાં આવી રહી છે તેમજ અનેક સ્થળોએ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણો થઈ રહી છે.
ભીડને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ કરવો પડ્યો છે. સોમવારથી અત્યાર સુધીમાં 5,000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં માત્ર શુક્રવારે જ 1,747 લોકો પકડાયા હતા. આ વિરોધ પ્રદર્શનના કારણે 735થી વધુ શિક્ષણ સંસ્થાઓ પ્રભાવિત થઈ છે, જ્યારે અગાઉ ગુરુવારે આ આંકડો 1,000ને વટાવી ગયો હતો. હવે વિદ્યાર્થી સંગઠનોએ 6 ઓક્ટોબરે દેશભરમાં મોટા પાયે પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.
આ આંદોલન કોઈ એક મુદ્દાને લઈને નથી, પરંતુ વર્ષોથી ચાલી આવતી કથળેલી શિક્ષણ વ્યવસ્થા સામેનો આક્રોશ છે. શાળાઓમાં શિક્ષકોની ભારે અછત સૌથી મોટી મુશ્કેલી છે. ઘણા વિષયોના શિક્ષકો લાંબા સમય સુધી ગેરહાજર રહે તો તેમની જગ્યાએ કોઈ વિકલ્પ મળતો નથી, જેથી મહત્વના વિષયોના વર્ગો રદ કરવા પડે છે. આ ઉપરાંત, એક વર્ગખંડમાં 30 થી 35 વિદ્યાર્થીઓનો ભરાવો, જર્જરિત ઇમારતો, પીવાના પાણી અને ગરમીની સમસ્યાઓ વિદ્યાર્થીઓને પરેશાન કરી રહી છે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના લાંબા શિડ્યુલને કારણે વિદ્યાર્થીઓ માનસિક તણાવ પણ અનુભવી રહ્યા છે