ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ

October 05, 2026

બ્રાઝિલમાં યોજાઈ રહેલા પ્રમુખ પદની ચૂંટણી પર સમગ્ર લેટિન અમેરિકાની નજર છે. હાલના વર્ષોમાં આ ક્ષેત્રના અનેક દેશોમાં દક્ષિણપંથી નેતાઓ પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને તેમાંના ઘણા નેતાઓના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્ર સાથે ઘનિષ્ઠ રાજકીય સંબંધો છે. બ્રાઝિલમાં પ્રમુખ પદ માટેના ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં 98.81 ટકા મતદાન નોંધાયું છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરી હતી, પરંતુ તેઓ બ્રાઝિલના બદલે ભૂલથી 'ભારત' લખી બેઠા હતા. ટ્રમ્પ ભૂલી ગયા હતા કે ચૂંટણી ભારતમાં નહીં પરંતુ બ્રાઝિલમાં થઈ રહી છે. પોતાની પોસ્ટમાં તેમણે અમેરિકન ચૂંટણી પ્રણાલી પર પણ કટાક્ષ કર્યો હતો. બ્રાઝિલમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં દક્ષિણપંથી ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારો વર્તમાન પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુડા દા સિલ્વા કરતા આગળ રહ્યા છે. ફ્લાવિયો બોલ્સોનારો એ ભૂતપૂર્વ પ્રમુખ જાયર બોલ્સોનારોના પુત્ર છે. જોકે, સીધી જીત માટે જરૂરી 50 ટકા મતો કોઈ ઉમેદવાર મેળવી શક્યો નહોતો, જેના કારણે હવે 25 ઓક્ટોબરે બીજા તબક્કાનો મુકાબલો થશે.પ્રથમ તબક્કામાં ફ્લાવિયો બોલ્સોનારોનું પ્રદર્શન અપેક્ષા કરતા ઘણું સારું રહ્યું છે. બીજા તબક્કામાં જે ઉમેદવારો બહાર થઈ ગયા છે, તેમાંના ઘણા દક્ષિણપંથી છાવણીના હતા. જો બોલ્સોનારો આ ઉમેદવારોના સમર્થકોના મત પોતાના તરફ ખેંચવામાં સફળ રહે છે, તો તે 25 ઓક્ટોબરના મુકાબલામાં ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે.બીજી તરફ, વર્તમાન પ્રમુખ લુડા પોતાના વર્તમાન મતદારોને જાળવી રાખવાની સાથે-સાથે બહાર થયેલા ઉમેદવારોના મતદારોને પણ પોતાના પક્ષમાં લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમની સામે સૌથી મોટો પડકાર દક્ષિણપંથી શક્તિઓને સત્તામાં આવતી અટકાવવાનો છે. આગામી 25 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી નક્કી કરશે કે બ્રાઝિલમાં વામપંતી નેતૃત્વ ચાલુ રહેશે કે પછી સત્તા દક્ષિણપંથ તરફ પરિવર્તિત થશે.