રાહુલ ગાંધીનું ભાષણ શરૂ થતાં જ સંસદમાં ભારે હોબાળો, રાજનાથ સિંહે વારંવાર ઊભા થઈને વિરોધ કર્યો

February 02, 2026

સંસદમાં બજેટ સત્રમાં આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંબોધન કર્યું. તેમણે ડોકલામ અને ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો થયો હતો. કેન્દ્રના મોટા મંત્રીઓએ ઊભા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો.  ચીનની ઘૂસણખોરી મુદ્દે રાહુલ ગાંધીએ સંબોધન શરૂ કરતાં આજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઊભા થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, જે માહિતી પ્રકાશિત ન થઈ હોય તેનો ઉલ્લેખ તમે અહીં ન કરી શકો. જે બાદ કોંગ્રેસના સાંસદોએ ભારે વિરોધ કરતાં કહ્યું કે હજુ રાહુલ ગાંધીએ બોલવાનું શરૂ જ કર્યું છે.  રાહુલ ગાંધી આર્મીના જનરલ નરવણેના પુસ્તક અંગે નિવેદન આપવા માંગતા હતા. જોકે રાજનાથ સિંહ વારંવાર ઊભા થઈને વિરોધ કરતાં રહ્યા અને કહ્યું કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? જો પ્રકાશિત ન થઈ હોય તો તમે સંસદમાં ન બોલી શકો. રાજનાથ સિંહે આક્રોશમાં કહ્યું કે, તમે જે પુસ્તકની વાત કરો છો તે પ્રકાશિત થઈ જ નથી. જે બાદ કોંગ્રેસના સાંસદોએ કહ્યું કે, આ માહિતી મેગેઝીનમાં આવી ગઈ છે. સંસદમાં અગાઉ પણ મેગેઝીનના ક્વોટ બોલવામાં આવ્યા છે. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઊભા થઈને કહ્યું કે, તમે સ્પષ્ટતા કરો કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? મેગેઝીન તો કશું પણ લખી શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું માત્ર 5 જ વાક્ય બોલવા માંગુ છું જેમાં પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ નરવણેએ PM મોદી અને રાજનાથ સિંહ વિશે વાતો કહી છે.  જે બાદ સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, સંસદની કાર્યવાહી સાથે જોડાયેલી ન હોય તેવી પુસ્તકનો કોઈ ઉલ્લેખ અહીં ન કરી શકો. રાહુલ ગાંધીએ એક મેગેઝિનના લેખને ટાંકીને વાત કરી. આનાથી ટ્રેઝરી બેન્ચમાંથી પણ હોબાળો થયો. સંરક્ષણ મંત્રીએ વાંધો ઉઠાવતા કહ્યું કે તેમને આવું કરવાની મંજૂરી ન આપવી જોઈએ. ચીનના મુદ્દાને સંવેદનશીલ ગણાવતા અખિલેશ યાદવે કહ્યું કે જો કોઈ સૂચન રાષ્ટ્રીય હિતમાં હોય, તો વિપક્ષના નેતાએ તે વાંચવું જોઈએ. ડૉ. લોહિયાથી મુલાયમ સિંહ યાદવ સુધીના ઉદાહરણો આપતા અખિલેશે કહ્યું કે આપણે ચીન સામે સાવધ રહેવું જોઈએ.