રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી ધરણાં પર બેઠા: સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષની કૂચ, 'લોકશાહી બચાવો'ના નારા લાગ્યા

October 06, 2026

'સેવ ડેમોક્રસી' (લોકશાહી બચાવો) અને 'સેવ માઈ વોટ' (મારા મતને બચાવો)ના પ્લેકાર્ડ અને પોસ્ટર્સ સાથે INDIA બ્લોકના વિપક્ષી સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા છે. કથિત મત ચોરીના મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગણી સાથે વિપક્ષી સાંસદોએ સંસદ ભવન બહાર ભેગા થઈને રાજધાની દિલ્હી સ્થિત ચૂંટણી પંચના મુખ્યાલય 'નિર્વાચન સદન' તરફ કૂચ કરી હતી.

આ વિરોધ પ્રદર્શન અને માર્ચ દરમિયાન બે મહત્ત્વપૂર્ણ વિપક્ષી પક્ષો - ડીએમકે (DMK) અને આમ આદમી પાર્ટી (AAP) આ વિપક્ષી માર્ચથી દૂર રહ્યા હતા. મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે કોંગ્રેસે આ મુદ્દાને જનતાની નજરમાં જીવંત રાખવા માટે સંસદના આગામી શિયાળુ સત્ર સુધીનો એક એક્શન પ્લાન અને રોડમેપ તૈયાર કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અન્ય વિપક્ષી સાંસદો સાથે ચૂંટણી પંચની ઓફિસ તરફ માર્ચ કરી રહ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા તેમને આકાશવાણી ભવન પાસે રોકવામાં આવ્યા હતા. અટકાવવામાં આવતા રાહુલ ગાંધી ત્યાં જ રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા.

વિપક્ષી સાંસદો સંસદ ભવનથી પ્રયાણ કરીને ટ્રાન્સપોર્ટ ભવન વટાવીને દિલ્હી સ્થિત ચૂંટણી પંચના મુખ્યાલય નિર્વાચન સદન તરફ આગળ વધી રહ્યા છે. વિપક્ષી નેતાઓનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી કથિત મત ચોરીના મામલે જવાબદારી નક્કી કરીને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેમનો આ વિરોધ ચાલુ રહેશે.