'મને સંસદમાં ન જવા દીધો, ભાજપના સાંસદો ધક્કામુક્કી કરવા લાગ્યા', રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

December 19, 2024

સંસદમાં ગુરૂવારે (19 ડિસેમ્બર) હોબાળો થતાં વાતાવરણ ગરમાયું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો મારી પાડી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે, રાહુલે સ્પષ્ટતા કરી હતી કે, અમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યાં ધક્કા-મુક્કી થઈ ગઈ હતી.

રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી કે, અમે લોકો મકર દ્વારથી અંદર જઈ રહ્યા હતાં. ત્યાં ભાજપના લોકો ઊભા હતાં અને અંદર જવાથી રોકી રહ્યા હતાં. ઘટનાસ્થળે ધક્કા-મુક્કી થવા લાગી અને લોકો પડી ગયાં. આ લોકો બંધારણ પર આક્રમણ કરી રહ્યા છે અને આંબેડકરનું અપમાન કરી રહ્યા છે. મુખ્ય મુદ્દો છે કે, તેઓ બંધારણ પર આક્રમણ કરી રહ્યા છે. 

રાહુલે ભાજપના સાંસદો પર પ્રવેશ દ્વાર પર રોકવાનો આરોપ લગાવ્યો છે. રાહુલનું કહેવું છે કે, લોકો મને ધક્કો મારી રહ્યા હતાં અને ધમકી આપી રહ્યા હતાં. અમે લોકો સીઢી પર ઊભા હતાં. કેમેરામાં બધું કેદ છે. ખડગેજી સાથે પણ ધક્કા-મુક્કી કરવામાં આવી. જોકે, અમને ધક્કા-મુક્કીથી કંઈ નથી થતું. ભાજપ સાંસદ અમને સંસદમાં જવાથી રોકી નહીં શકે.

વળી, ભાજપ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને સાંસદ આવીને મારા પર પડ્યો, જેનાથી મારા માથા પર ઈજા થઈ. સારંગીને હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ભાજપના નેતા તેમની ખબર અંતર પૂછવા જઈ રહ્યા છે. 

બીજી બાજુ, વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કહ્યું, ખડગે સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી છે. કેમેરામાં બધું કેદ છે. 

ઇન્ડિયા જૂથના સાંસદોએ આજે સંસદમાં વિરોધ માર્ચ કાઢી રહ્યા છે. હકીકતમાં, બે દિવસ પહેલાં રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડૉ. બી. આર. આંબેડકરને લઈને નિવેદન આપ્યું હતું, જ્યારબાદ વિપક્ષે ભાજપ પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું અને આંબેડકરના અપમાનનો આરોપ લગાવ્યો હતો. વિરોધમાં શાહના રાજીનામાંની પણ માંગ કરવામાં આવી રહી છે. ગુરૂવારે ઇન્ડિયા જૂથના નેતા સંસદમાં માર્ચ કાઢી હતી. આ લોકો આંબેડકરની પ્રતિમાથી લઈને મકર દ્વારથી વિરોધ માર્ચ કાઢી રહ્યા હતાં.