હું ઈવીએમ પર ભાષણ આપું ત્યારે મને પણ રોકી દેવામાં આવે છે- શરદ પવાર

December 08, 2024

સોલાપુર : એનસીપીના સ્થાપક શરદ પવાર ઈવીએમ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે સોલાપુરના મર્કરવાડીમાં ઈવીએમ મત વિરૂદ્ધ ચાલી રહેલી મોક-પોલમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાંના લોકોએ બેલેટ પેપરથી મતદાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને ખાતરી હતી કે, એનસીપીના ઉમેદવારને ઈવીએમ કરતાં વધુ મત મળી શકે છે. પરંતુ પોલીસે તેમને અટકાવી દીધા હતા. અને આમ કરનારાઓની ધરપકડ કરી હતી.


શરદ પવારે મર્કરવાડીમાં પહોંચી કહ્યું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી જોઈ રહ્યો છું કે, સંસદમાં મર્કરવાડીની ચર્ચા શરૂ થઈ છે. લોકો દલીલ કરી રહ્યા છે કે, દેશમાં કોઈને પણ આ અંગે જાણ થઈ નથી. પરંતુ મર્કરવાડીના લોકોને ખબર પડી ગઈ છે કે, ઈવીએમમાં ચેડાં થાય છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં બેલેટ પેપર વડે મતદાન થાય છે.
શરદ પવારે વધુમાં કહ્યું કે, આખી દુનિયા બેલેટ પેપર દ્વારા મતદાન કરી રહી છે, પરંતુ આપણે શા માટે ઈવીએમનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ મતદાન પછી તમને (માર્કરવાડીના લોકોને) શંકા ગઈ અને ગામમાં ફરી મતદાન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેને અટકાવી દીધો. હું ઈવીએમ પર ભાષણ આપું ત્યારે મને પણ રોકી દેવામાં આવે છે, આ કેવા પ્રકારની વાત છે? મને કંઈ સમજાતુ નથી.