અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો

September 14, 2026

અમદાવાદમાં 12 સપ્ટેમ્બરથી પલટાયેલા વાતાવરણ વચ્ચે છેલ્લા 24 કલાકથી અવિરત અને આજે 14 સપ્ટેમ્બરની વહેલી સવારથી પડતા ધોધમાર વરસાદને લીધે નોકરિયાતો તથા શાળાએ જતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આજે સવારે 6 થી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન વટવામાં 2.76 ઈંચ, દૂધેશ્વરમાં 2.17 ઈંચ અને લંભામાં 2.15 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વિશેષમાં બાકરોલમાં માત્ર 1 કલાકમાં 2 ઈંચ સાથે કુલ 2.01 ઈંચ જ્યારે સરખેજ અર્બન હેલ્થ ખાતે 1 કલાકમાં 1.2 ઈંચ સાથે કુલ 1.26 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય આજ સમયમાં રામોલમાં 1.67 ઈંચ, વસ્ત્રાલમાં 1.52 ઈંચ, ઇન્દ્રપુરીમાં 1.42 ઈંચ, મણિનગરમાં 1.10 ઈંચ અને ઓઢવ ડ્રેનેજ પમ્પિંગમાં 1.06 ઈંચ પાણી નોંધાયું હતું.

શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ સરેરાશ 27.46 ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે, જે આંકડો છેલ્લા 5 વર્ષની સિઝન સરેરાશના 76.28 ટકા જેટલો થવા જાય છે. છેલ્લા 24 કલાકની જ વાત કરીએ તો શહેરમાં સરેરાશ 1.74 ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે નદીની સ્થિતિ જોતાં વાસણા બેરેજની જળસપાટી 129.00 ફૂટ પર પહોંચી છે. હાલમાં નદીમાં 358 ક્યુસેક પાણીનો આઉટફ્લો શરૂ હોવાથી તંત્ર દ્વારા બેરેજનો 1 ગેટ 0.5 ફૂટ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકના સમયમાં સમગ્ર શહેરમાં સરેરાશ 0.06 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ આંકડાઓને ઝોન મુજબ જોઈએ તો પૂર્વ ઝોનમાં સૌથી વધુ સરેરાશ 0.18 ઈંચ, ત્યારબાદ દક્ષિણ ઝોનમાં 0.12 ઈંચ અને ઉત્તર ઝોનમાં 0.11 ઈંચ સરેરાશ વરસાદ નોંધવામાં આવ્યો હતો.

સવારના 6 થી 8 વાગ્યાના આ જ સમયગાળા દરમિયાન ઓઢવ ડ્રેનેજ પમ્પિંગ વિસ્તારમાં સૌથી વધુ 0.28 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય અન્ય વિસ્તારોમાં ઓઢવ અને રામોલ ખાતે 0.22 ઈંચ, વસ્ત્રાલ, નરોડા તથા હંસપુરામાં 0.20 ઈંચ, વિરાટનગર અને કઠવાડામાં 0.18 ઈંચ, વટવામાં 0.16 ઈંચ તેમજ નિકોલમાં 0.14 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો.