દિલ્હીની ચૂંટણીમાં ભાજપ મુખ્યમંત્રીના ચહેરા સાથે ઉતરશે

December 20, 2024

દિલ્હી- દિલ્હીમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ માટે મુખ્ય પાર્ટીઓ ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે જોરશોરથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. તમામ પક્ષો મતદારોને રિઝવવા અને ખાસ કરીને મહિલા મતદારોમાં પ્રભુત્વ જમાવવા મસમોટી જાહેરાતો કરી દીધી છે. બીજીતરફ ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે મોટો નિર્ણય લીધો છે. ભાજપ મુખ્યમંત્રીના ચહેરા સાથે દિલ્હીની ચૂંટણીમાં ઉતરશે. ભાજપે ચૂંટણી પ્રચારમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવશે. ભાજપ ટૂંક સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને હરિયાણા વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન ભાજપે મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ભાજપે મુખ્યમંત્રી નામની જાહેરાત કરી હતી. તેથી ભાજપ આ જ ફોર્મ્યૂલા સાથે દિલ્હીના ચૂંટણી મેદાનમાં જંપ લાવશે.


ભાજપ દિલ્હીની ચૂંટણીમાં ખાસ રણનીતિ બનાવીને ઉતરશે. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ આમ આદમી પાર્ટી અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધના કથિત ભ્રષ્ટાચાર કેસનો મુદ્દો ચગાવી આપને ઘેરવાનો પ્રયાસ કરશે. આ પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ પાસે દિલ્હી માટે કોઈ મુખ્યમંત્રી ફેસ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપ પાસે દિલ્હી માટે પણ કોઈ વિઝન નથી. જોકે ભાજપે કેજરીવાલના આક્ષેપોને રદીયો આપ્યો હતો.


ભાજપની મોટાભાગની ‘ચૂંટણી રણનીતિ’ મુખ્યમંત્રીના ચહેરા સાથે ઉતરવાની હોય છે. અગાઉ પણ ભાજપ આ જ રણનીતિ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી હતી અને બંપર બેઠકો જીતી હતી. તેથી જ ભાજપ આ જ રણનીતિ દિલ્હીની ચૂંટણીમાં અપનાવી શકે છે. અત્રે એ યાદ રહે કે, ભાજપે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી લડી હતી અને જીતી પણ હતી. જોકે મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટણીમાં રાજકીય સમીકરણો જુદાં હોવાથી ભાજપે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી ન હતી. પાર્ટીએ હરિયાણામાં પણ આ જ ફોર્મ્યૂલા અપનાવી હતી અને ચૂંટણી પહેલા મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીનું નામ જાહેર કર્યું હતું.