2014થી 2024 સુધી રાહુલ ગાંધી વિરુદ્ધ 20થી વધુ કેસ: એકમાં દોષિત

December 20, 2024

દિલ્હી- બાબાસાહેબ આંબેડકર પર અમિત શાહની ટિપ્પણી બાદ સંસદ પરિસરમાં હોબાળાને લઈને નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી સામે કેસ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી પર ભાજપ સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત સાથે ધક્કા-મુક્કીનો આરોપ છે. રાહુલ પર કેસ નોંધાયા બાદ કોંગ્રેસ પાર્ટી સતત સત્તાધારી પાર્ટી ભાજપનો વિરોધ કરી રહી છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કે. સી વેણુગોપાલ અનુસાર, આ કેસ મુદ્દા પરથી લોકોને ભટકાવવાનો પ્રયાસ છે. 


વેણુગોપાલ અનુસાર, રાહુલ ગાંધી પર ભાજપ તરફથી કેસ કરવો એ કોઈ નવી વાત નથી. 2014થી અત્યાર સુધી રાહુલ ગાંધી પર 20થી વઘારે કેસ નોંધાયા છે. વર્ષ 2019માં રાહુલ ગાંધી પર સૌથી વધારે 5 કેસ નોંધવામાં આવ્યા હતાં. 2024માં 4 અને 2021માં રાહુલ ગાંધીની સામે 3 કેસ કરવામાં આવ્યા હતાં. રાહુલ 2019માં નોંધાયેલા કેસમાં ગુનેગાર પણ સાબિત થયા હતાં. વળી ઘણાં કેસ ટ્રાયલ કોર્ટમાં શરુ છે. રાહુલના બે કેસની સુનાવણી હાઇકોર્ટમાં ચાલી રહી છે.

વર્ષ 2014માં રાહુલ ગાંધી પર પહેલો કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ મહારાષ્ટ્રના ભિવંડી સ્થિત જોઇન્ટ સિવિલ જજની કોર્ટમાં નોંધાયો હતો. રાહુલ પર આ કેસ ગાંધીની હત્યામાં આરએસએસની ભૂમિકા કહેવાને લઈને કરવામાં આવ્યો હતો. આ કેસ ક્રિમિનલ અને સિવિલ માનહાનિ સાથે જોડાયેલો છે. 2016માં રાહુલ ગાંધી પર આસામની રાજધાની ગુવાહાટીમાં માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ ચીફ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટની કોર્ટમાં નોંધાયો હતો. રાહુલ પર કેસ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ટિપ્પણીને લઈને કરવામાં આવ્યો હતો રાહુલે ગાંધીજીની હત્યા સાથે જોડાયેલા એક મામલામાં સંઘ પર ટિપ્પણી કરી હતી. વર્ષ 2018માં રાહુલ ગાંધી પર 3 કેસ નોંધાયા છે. પહેલો કેસ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ અને બીજો કેસ સુલ્તાનપુરમાં નોંધાયો હતો. ત્રીજો કેસ ઝારખંડમાં રાંચીમાં નોંધાયો હતો. રાહુલ ગાંધી પર બંને કેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના કાર્યકર્તાઓ પર વિવાદિત ટિપ્પણીને લઈને કરવામાં આવ્યો હતો. આ કેસ પણ માનહાનિ સાથે જોડાયેલો હતો.


2019માં રાહુલ ગાંધી પર સૌથી મોટા 5 કેસ નોંધાયા હતાં. આ કેસ દેશના અલગ-અલગ ભાગમાં નોંધાયા હતાં. મામલો મોદી અટક સાથે જોડાયેલો હતો. રાહુલે એક રેલીમાં સવાલ કરતા કહ્યું હતું કે, બધાં ચોર મોદી જ કેમ હોય છે ? રાહુલ ગાંધી પર મોદી અટકના મામલે સુરત, પટના, રાંચી, અમદાવાદ અને નવી દિલ્હીમાં કેસ કરવામાં આવ્યો હતો. સુરતના કેસમાં તેમને દોષી જાહેર કરવામાં આવ્યા હતાં. જોકે, મામલાની સુનાવણી ચાલી રહી છે. સુરત કેસના કારણે 2023માં રાહુલ ગાંધીને સભ્ય પદ પણ ગુમાવ્યુ હતું.