ફરી જીદ પકડીને બેઠા શિંદે? સરકાર બન્યા બાદ પણ ગૃહવિભાગ પર દાવો કર્યો

December 08, 2024

સોલાપુર : મહારાષ્ટ્રની મહાયુતિ ગઠબંધનમાં લાંબી દોડધામ થયા બાદ અંતે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના મુખ્યમંત્રી બનાવાતા ભાજપની ચિંતા દૂર થઈ છે. જોકે હજુ પણ કેબિનેટમાં વિભાગોની વહેંચણીને લઈને મુદ્દો ઉકેલાયો ન હોય તેવી સ્થિતિ સામે આવી છે. સીએમ ફડણવીસે પાંચમી ડિસેમ્બરે શપથગ્રહણ કર્યા હતા, પરંતુ હજુ પણ મંત્રીમંડળના વિસ્તરણ અને વિભાગોની વહેંચણી મુદ્દે ત્રણે પક્ષોમાં સહમતી સધાઈ નથી. શિવસેનાએ ગૃહવિભાગની માંગ કર્યા બાદ મંત્રીમંડળની રચનામાં વિલંબ થયો છે. શિવસેનાના કેટલાક નેતાઓ માત્ર શિંદેનો આદેશ જ માનવા તૈયાર છે, તો કેટલાક નેતાઓ અંદરોઅંદર ગૃહવિભાગનો ગણગણાટ કરી રહ્યા છે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ મંત્રીમંડળના વિસ્તરણ અંગે ટૂંક સમયમાં સ્થિતિ સ્પષ્ટ થવાની સંભાવના છે.


ગત મહિને યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPની મહાયુતિ ગઠબંધને 230 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. આમ છતાં આંતરીક ખેંચતાણ અને દબાણના કારણે નવી સરકાર બનાવવામાં વિલંબ થયો હતો. સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ની આગેવાની હેઠળ 11 અથવા 12 ડિસેમ્બરે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની સંભાવના છે. શિવેસના ભાજપ અને એનસીપી સાથે કામ કરવા માટે ગૃહમંત્રાલય પર મિટ માંડીને બેઠી છે, જેના કારણે કેબિનેટનું વિસ્તરણ કરવું પડકારજનક બની ગયું છે.
પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ ગૃહવિભાગ પર દાવો કર્યો છે. શિવસેનાના નેતા ઉદય સામંત અને સંજય શિરસાટે જાહેરમાં આ માંગનું સમર્થન કર્યું છે. બીજીતરફ ભાજપ અને એનસીપીના સૂત્રોના જણાવ્યા મુજબ, મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે રાજ્યમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે.