ચોથી ટેસ્ટ પહેલાં જ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં, 4 સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત, હવે પ્લેઈંગ-11 કેવી હશે?

July 21, 2025

ઈંગ્લેન્ડ સામે 23 જુલાઈથી શરૂ થનારી માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. ભારતીય ટીમના 4 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઈજાને કારણે ચોથી ટેસ્ટ મેચમાં સિલેક્સનની રેસમાંથી બહાર થઈ ગયા છે. અર્શદીપના ડાબા હાથમાં કટ લાગી ગયો હતો, જ્યારે નીતીશને ઘૂંટણમાં ઈજા થઈ છે. જમણા હાથના ફાસ્ટ બોલર આકાશ દીપનું ગ્રોઈન ઈન્જરીના કારણે માન્ચેસ્ટર ટેસ્ટમાં રમવું ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે વાઈસ કેપ્ટન અને વિકેટકીપર રિષભ પંત ઈજામાંથી સંપૂર્ણપણે રિકવર નથી થઈ શક્યો. લોર્ડ્સ ટેસ્ટ મેચ દરમિયાન જસપ્રીત બુમરાહનો બોલ કલેક્ટ કરવાના પ્રયાસમાં રિષભ પંતને ડાબા હાથની તર્જની આંગળીમાં ઈજા થઈ હતી. હવે માન્ચેસ્ટર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમના પ્લેઇંગ-11માં બે ફેરફાર નિશ્ચિત છે. નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને ધ્રુવ જુરેલને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવી શકે છે. જો જુરેલ રમે, તો તે વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. જ્યારે 'ઈન્જર્ડ' રિષભ પંત સ્પેશિયાલિસ્ટ બેટર તરીકે રમશે. લોર્ડ્સ ટેસ્ટમાં પંત ઘાયલ થયો ત્યારે જુરેલે જ વિકેટકીપિંગ કરી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત આકાશ દીપના સ્થાને ફાસ્ટ બોલર અંશુલ કંબોજને પ્લેઇંગ-11માં સામેલ કરી શકાય છે. 24 વર્ષીય અંશુલ કંબોજને ફાસ્ટ બોલરોની ઈન્જરીના કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અંશુલ કંબોજે અત્યાર સુધી ભારત માટે એક પણ મેચ રમી નથી, પરંતુ તે ભારત-A ટીમના તાજેતરના ઇંગ્લેન્ડ પ્રવાસનો હિસ્સો હતો. જમણા હાથનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પણ એક વિકલ્પ છે, પરંતુ તેને તક મળવાની શક્યતા ઓછી છે. કૃષ્ણાએ પહેલી બે ટેસ્ટ મેચ રમી હતી, જ્યાં તે ખૂબ મોંઘો સાબિત થયો હતો. ભારત પાસે ચાઇનામેન કુલદીપ યાદવના રૂપમાં વધારાના સ્પિનરને પણ રમાડવાનો વિકલ્પ છે, પરંતુ શુભમન બ્રિગેડ ભાગ્યે જ આવું કરશે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ કંઈ ખાસ નથી. ભારતીય ટીમ 89 વર્ષથી અહીં પોતાની પહેલી ટેસ્ટ જીતની રાહ જોઈ રહી છે. ભારતે 1936માં આ મેદાન પર પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી, ત્યારથી તેને એક જીત નસીબ નથી થઈ. ભારતે ઓલ્ડ ટ્રેફર્ડમાં જે 9 ટેસ્ટ (બધી ઇંગ્લેન્ડ સામે)રમી તેમાંથી, ટીમ ઇન્ડિયાએ 4 ટેસ્ટ ગુમાવી દીધી હતી. જ્યારે 5 ટેસ્ટ ડ્રો રહી હતી. ભારતીય ટીમે તેંડુલકર-એન્ડરસન ટ્રોફી 2025ની શરૂઆત લીડ્સ ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર સાથે કરી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટન ટેસ્ટ મેચમાં શાનદાર વાપસી કરી અને યજમાન ઈંગ્લેન્ડ સામે 336 રનનો રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો. જોકે, લોર્ડ્સ ટેસ્ટ મેચમાં 22 રનથી મળેલી હારે તેને ફરી બેકફૂટ પર ધકેલી દીધી. માન્ચેસ્ટર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11: કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગટન સુંદર, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.