T20 વર્લ્ડ કપ પહેલા ઇન્ડિયા A ટીમ જાહેર, આયુષ બદોની કેપ્ટન, તિલક વર્મા અને મયંક યાદવની એન્ટ્રી

February 02, 2026

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓના ભાગરૂપે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇન્ડિયા A ટીમની જાહેરાત કરી છે. આગામી વોર્મ-અપ મેચો માટે પસંદ કરાયેલી આ 15 સભ્ય ટીમનું નેતૃત્વ આક્રમક ઓલરાઉન્ડર આયુષ બદોનીને સોંપવામાં આવ્યું છે. આ ટીમમાં એવા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ ઈજા બાદ મેદાનમાં પરત ફરી રહ્યા છે અને વર્લ્ડ કપની મુખ્ય ટીમમાં સ્થાન મેળવવા માટે ફિટનેસ સાબિત કરશે. આ સ્ક્વોડમાં સૌથી મોટું નામ તિલક વર્માનું છે, જે ટેસ્ટિક્યુલર ટોર્શન સર્જરી બાદ લાંબા સમયે મેદાનમાં પરત ફરી રહ્યા છે. જો તેઓ અમેરિકા સામેની મેચમાં પોતાની ફિટનેસ સાબિત કરી દેશે, તો તેઓ ટૂંક સમયમાં સીનિયર ટીમ સાથે જોડાશે. આ ઉપરાંત, ખભાની ઈજામાંથી મુક્ત થયેલા રિયાન પરાગ અને લગભગ 9 મહિના બાદ વાપસી કરી રહેલા મયંક યાદવ પર પણ સૌની નજર રહેશે.
મેચનું સમયપત્રક ઇન્ડિયા-A ટીમ બે મહત્ત્વની મેચો રમશે
• 2 ફેબ્રુઆરી: નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં યુનાઈટેડ સ્ટેટ્સ (USA) સામે વોર્મ-અપ મેચ.
• 6 ફેબ્રુઆરી: બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે નામિબિયા સામે અનઓફિશિયલ મુકાબલો.
ટીમમાં બેટિંગની જવાબદારી પ્રિયાંશ આર્ય, નમન ધીર અને આશુતોષ શર્મા જેવા યુવા ખેલાડીઓના ખભા પર રહેશે. વિકેટકીપર તરીકે નારાયણ જગદીશન અને ઉર્વિલ પટેલની પસંદગી કરવામાં આવી છે. બોલિંગ વિભાગમાં અનુભવી સ્પિનર રવિ બિશ્નોઈ અને ડાબોડી પેસર ખલીલ અહેમદ આક્રમણનું નેતૃત્વ કરશે.
ઇન્ડિયા A સ્ક્વોડ: આયુષ બદોની (કેપ્ટન), નમન ધીર, આશુતોષ શર્મા, પ્રિયાંશ આર્ય, તિલક વર્મા, રિયાન પરાગ, અશોક શર્મા, નારાયણ જગદીશન, ઉર્વિલ પટેલ, મનવ સુથાર, ખલીલ અહેમદ, ગુરજપનીત સિંહ, મયંક યાદવ, રવિ બિશ્નોઈ અને વિપ્રજ નિગમ.