હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકા-ઈરાન યુદ્ધ ફાટ્યું, તેહરાનના 10 ઠેકાણા પર હુમલો, 5ના મોત

September 02, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ ફાટી નીકળ્યું છે. જોર્ડનથી કુવૈત સુધી યુદ્ધની જ્વાળાઓ ફરી ફાટી છે, ઈરાને જોર્ડન, કુવૈતથી ઈરાક સુધી તબાહી મચાવી છે, જ્યારે અમેરિકાએ તેહરાનના 10 સ્થળો પર હુમલો કર્યો છે. બંને દેશો એકબીજા પર મિસાઇલો દાગી રહ્યા છે, અમેરિકાના જવાબી હુમલામાં 5ના મોત થયા છે.

હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકી હુમલા સામે ઈરાને જોર્ડન-કુવૈતમાં મિસાઇલ છોડી છે, જેમાં નાગરિકોના મોત થતાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાડી દેશોમાં તણાવ યુદ્ધમાં ફેરવાઈ ગયો છે, હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી સૈન્યના આક્રમક હુમલા બાદ સ્થિતિ વિસ્ફોટક બની છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની ઠેકાણાઓ પર મોટા પાયે શક્તિશાળી હુમલાની પુષ્ટિ કરી છે, જેના જવાબમાં ઈરાને બદલાની કાર્યવાહી તેજ કરી છે.

તાજેતરની ઘટનામાં ઈરાની સૈન્ય એટલે કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGCએ દાવો કર્યો છે કે આક્રમણકારોને જડબાતોડ જવાબ અપાયો છે. ઈરાન તરફથી જોર્ડન અને બહેરીનમાં સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓને મિસાઇલ અને ડ્રોન હુમલાથી નિશાન બનાવાયા છે.

જોર્ડનની સેનાએ જણાવ્યું છે કે તેની એર ડિફેન્સ સિસ્ટમે હવાઈ ક્ષેત્રમાં પ્રવેશેલી 13માંથી 10 બેલિસ્ટિક મિસાઇલોને હવામાં તોડી પાડી હતી, જ્યારે બાકીની 3 નિર્જન વિસ્તારોમાં પડી હતી. બીજી તરફ કુવૈતનું સૈન્ય પણ દુશ્મન ડ્રોન હુમલા સામે સુરક્ષા પ્રણાલી સક્રિય કરી ચૂક્યું છે.