ભાજપ નીતીશને CM ચહેરો બનાવવા માંગતી નથી? JDUએ મોદી-નડ્ડાનું વધાર્યું ટેન્શન

March 02, 2025

બિહારમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને જેડીયુ વચ્ચે અત્યારથી જ રાજકારણ શરૂ થઈ ગયું હોય, તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ચૂંટણીને લઈને ભાજપ માટે સૌથી મોટું ટેન્શન મુખ્યમંત્રીના ચહેરાની છે, કારણ કે નીતીશ કુમારને ફરી મુખ્યમંત્રીના ચહેરો બનાવવા જેડીયુ ભાજપ પર દબાણ વધારી રહી છે, જ્યારે બીજીતરફ ભાજપ આ મુદ્દે હાલ કંઈપણ બોલી રહી નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત સપ્તાહે ભાગલપુર આવ્યા હતા. અહીં તેમણે ભાજપ-જેડીયુની સંયુક્ત રેલીનો સંબોધન કરી નીતીશ કુમારને લાડલા મુખ્યમંત્રી કહ્યા હતા. પરંતુ JDU આ બાબતથી ખુશ નથી. જેડીયુને આશા હતી કે, વડાપ્રધાન મોદી નીતીશને એનડીએના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરશે, પણ તેવું થયું નહીં.
આમ તો બિહારના કોઈપણ જેડીયુ નેતાએ આ મુદ્દે વડાપ્રધાનની ટીકા કરી નથી, પરંતુ પીએમ મોદીની રેલીના એક દિવસ બાદ નીતીશના પુત્ર નિશાંત કુમારે માંગ કરી છે કે, એનડીએ આગામી ચૂંટણીમાં તેમના પિતાને મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, નિશાંત હજુ સત્તાવાર રાજકારણમાં જોડાયા નથી. પીએમ મોદી દ્વારા નીતીશને લાડલા કહેવા મુદ્દે નિશાંતે કહ્યું કે, ભાજપ ગઠબંધનનો ભાગ છે, તેથી વડાપ્રધાન દ્વારા માતા પિતાને આવું કહેવું સ્વાભાવિક વાત છે.