દુનિયા બદલાઈ ગઈ, હવે કોઈ શહેનશાહનું રાજ નહીં ચાલે: બ્રિક્સ દેશોને ટ્રમ્પની ધમકી બાદ બ્રાઝિલનો જવાબ

July 08, 2025

બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અંગેની ધમકીઓનો જવાબ આપ્યો છે. બ્રાઝિલના પ્રમુખે કહ્યું છે કે, 'દુનિયા બદલાઈ ગઈ છે અને આ નવી દુનિયામાં કોઈ પણ દેશને શહેનશાહ પસંદ નથી.' નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (સાતમી જુલાઈ) ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે, 'જે કોઈ દેશ BRICSની અમેરિકા વિરોધી નીતિઓ સાથે જોડાશે તેની પાસેથી વધુ 10% ટેરિફ વસૂલાશે.' BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) સમિટના સમાપન દરમિયાન બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કહ્યું, 'દુનિયાએ એવા રસ્તા શોધવાની જરૂર છે કે આપણા વેપાર સંબંધો ડોલરમાં ન જાય. આજે દુનિયા બદલાઈ ગઈ છે અને આપણને કોઈ શહેનશાહની જરૂર નથી. બ્રિક્સ સમૂહ આર્થિક દ્રષ્ટિકોણથી વિશ્વને સંગઠિત કરવાનો બીજો રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે.' બ્રિક્સના અન્ય મહત્વપૂર્ણ સભ્યો રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકાએ પણ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે પ્રતિક્રિયા આપી છે. જોકે, ભારતે હજુ કોઈ જવાબ આપ્યો નથી. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ કહ્યું કે, 'બ્રિક્સ સમૂહ અન્ય કોઈ શક્તિ સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરતું નથી.' ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, 'ટેરિફનો ઉપયોગ કોઈના પર દબાણ લાવવા માટે થવો જોઈએ નહીં.  બીજી તરફ રશિયાએ કહ્યું છે કે, 'બ્રિક્સ સાથે તેનો સહયોગ એક સામાન્ય વિશ્વ દ્રષ્ટિકોણ પર આધારિત છે. તે ત્રીજા દેશો સામે નિર્દેશિત કરવામાં આવશે નહીં.' બ્રિક્સ દેશોએ ઈરાન પરના હુમલા અને એકપક્ષીય ટેરિફ નીતિની ટીકા કરી છે. તેનાથી ગુસ્સે થઈને ટ્રમ્પે બ્રિક્સ દેશોને અમેરિકા વિરોધી ગણાવ્યા છે અને નવા ટેરિફ લાદવાની ધમકી આપી છે. વર્ષ 2025ની શરૂઆતમાં પણ ટ્રમ્પે કહ્યું હતું કે, 'જો બ્રિક્સ દેશો ડોલરને નબળો પાડવાનો પ્રયાસ કરશે તો 100% ટેરિફ લાદવામાં આવશે.'