મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની બોટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, શોધખોળ શરૂ

July 07, 2025

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં દરિયાકાંઠે શંકાસ્પદ બોટ દેખાતા હડકંપ મચી ગયો છે. રવિવારે કોરલઈ જિલ્લા પાસે દરિયાકાઠે શંકાસ્પદ બોટ દેખાયા બાદ આખા દરિયાકાંઠામાં સુરક્ષા એજન્સીઓએ એલર્ટ થઈ ગઈ છે. હાલ નૌકાદળ અને કોસ્ટ ગાર્ડની ટીમે બોટને શોધવા માટે તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે. 

મળતા અહેવાલો મુજબ, રવિવારે (6 જુલાઈ) સવારે ભારતીય નૌકાદળના રડારમાં એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી. ત્યારબાદ રાયગઢ પોલીસ, નૌકાદળ અને કોસ્ટ ગાર્ડની સંયુક્ત ટીમોએ સાવચેતીના ભાગરૂપે અલર્ટ મોડમાં આવી બોટને શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે. નૌકદળના જવાની તહેનાતી વખતે રાયગઢના રેવદાંડા કાંઠાથી લગભગ બે નોટિકલ માઈલ દૂર કોરલઈ જિલ્લા પાસે બોટ જોવા મળી છે. રવિવારે સવારથી બોટને શોધવાની કામગીરી ચાલી રહી છે, જોકે હજુ સુધી બોટની કોઈ માહિતી સામે આવી નથી.

સોમવારે (7 જુલાઈ) સવારે ફરી બોટને શોધવાનું અભિયાન શરૂ કરાયું હતું, જોકે તે જગ્યાએ જોવા મળી નથી. બોટને શોધવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ છે અને અહિં દરિયાકાંઠામાં પેટ્રોલિંગ કરી રહ્યું છે. એવું મનાઈ રહ્યું છે કે, બોટ હવે ઊંડા દરિયામાં સમાઈ ગઈ હશે. અધિકારીઓએ કહ્યું કે, ‘શંકાસ્પદ હાલતમાં જોવા મળેલી બોટ કદાચ પાકિસ્તાનથી માછલી પકડવા આવેલી બોટ હોઈ શકે છે. જોકે હજુ સુધી તેની પુષ્ટિ થઈ શકી નથી. જ્યારે જવાનોએ રડારમાં બોટ જોઈ ત્યારે બોટની સ્થિતિ શંકાસ્પદ જોવા મળી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.