વિદ્યાર્થિનીને મદદની યોગીની ખાતરી છતા શાળાએ ફી માફ ના કરતા વિવાદ

July 07, 2025

ગોરખપુર: ઉત્તર પ્રદેશમાં ધોરણ ૭ની એક વિદ્યાર્થિની મુદ્દે ભાજપ અને વિપક્ષ સપા વચ્ચે વિવાદ સામે આવ્યો છે. આ વિદ્યાર્થિનીએ પિતાની નબળી આર્થિક સ્થિતિને કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે શિક્ષણમાં મદદની માગ કરી હતી. જોકે બીજી તરફ વિદ્યાર્થિની જે શાળામાં અભ્યાસ કરે છે તેણે ફી માફ કરવાની ના પાડી દીધી હતી. બાદમાં હવે સપાના વડા અખિલેશ યાદવે વિદ્યાર્થિનીને મદદનો હાથ લંબાવ્યો છે. પંખુરી ત્રિપાઠી યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુરની પક્કીબાગમાં આવેલી આરએસએસ સંચાલિત સરસ્વતી શિશુ મંદિરમાં ધોરણ સાતમાં અભ્યાસ કરે છે, તેની એક મહિનાની ફી ૧૬૫૦ છે, પંખુરીએ સ્કૂલને ૧૮,૦૦૦ રૂપિયા ચુકવવાના છે. જોકે આર્થિક સંકટને કારણે તે સ્કૂલની ફી ભરી શકે તેમ ના હોવાથી તેણે પરિવાર સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાત લીધી હતી, યોગીએ પંખુરીને ખાતરી આપી હતી કે તેને સરકાર તરફથી મદદ કરવામાં આવશે. પંખુરી આઇએએસ બનવા માગે છે.  મુખ્યમંત્રીની ખાતરી બાદ પંખુરી સ્કૂલે ગઇ હતી, જોકે સ્કૂલ પ્રશાસને ફી માફ કરવાની ના પાડી દીધી હતી. પંખુરીએ કહ્યું હતું કે મને મદદ કરવાના બદલે સ્કૂલ પ્રશાન દ્વારા મારી અને પિતાની સાથે અત્યંત અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું. અને મને એમ કહેવામાં આવ્યું કે જો બધાની ફી માફ કરતા રહીશું તો સ્કૂલ ચલાવવી મુશ્કેલ થઇ જશે. મારુ આઇએસ બનવાનું સ્વપ્ન રોળાઇ ગયું છે. મને આશા છે કે મુખ્યમંત્રી અમને જરૂર મદદ કરશે. મુખ્યમંત્રીની ખાતરી છતા કોઇ મદદ ના મળતા હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે ભાજપના બેટી બચાવો બેટી પઢાવોના સુત્રની મૂળ હકીકત આ જ છે, અમે ભાજપને વિનંતી કરીએ છીએ કે તેઓ બાળકો સામે જૂઠ ના બોલે, અમે પંખુરીના શિક્ષણની જવાબદારી લઇશું ને તમામ મદદ કરીશું.