'ભારત તો 40મા ક્રમે છે, સરકારે ચોથો ક્રમ કેવી રીતે બતાવ્યો..' અચાનક જ કેમ ભડકી કોંગ્રેસ

July 07, 2025

કોંગ્રેસે આજે સોમવારે કેન્દ્ર સરકાર પર વર્લ્ડ બેન્કના રિપોર્ટની ખોટી માહિતી ફેલાવી હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં કેન્દ્ર સરકારે વિશ્વમાં ચોથા ક્રમનો સમાનતા ધરાવતો દેશ ભારત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે વાસ્તવમાં રિપોર્ટમાં ભારત વિશ્વનો 40મો સૌથી વધુ અસમાનતા ધરાવતો દેશ છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ કરતાં કહ્યું છે કે, સરકારે જાણી જોઈને ખોટી માહિતી ફેલાવી છે. જ્યારે સત્ય એ છે કે, ભારત વિશ્વનો 40મો સૌથી વધુ અસમાનતા ધરાવતો દેશ છે. પીઆઈબીએ આવો ખોટો દાવો કરતી પ્રેસ રીલિઝ પાછી ખેંચવી જોઈએ.  જયરામ રમેશે એક નિવેદનમાં જણાવ્યું કે, તમે ક્રોનોલોજી સમજો. એપ્રિલ, 2025માં વર્લ્ડ બેન્કે ભારત માટે  'પોવર્ટી એન્ડ ઈક્વિટી બ્રીફ' રિપોર્ટ જાહેર કર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસે એક નિવેદન જાહેર કરી તે રિપોર્ટમાં સામેલ અનેક ચેતવણીના સંકેતો તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જેમાં સામેલ હતું કે, ભારતમાં ગરીબી અને અસમાનતાના સરકારી આંકડા વાસ્તવિક સ્થિતિથી ઓછા બતાવવામાં આવે છે. તે રિપોર્ટ રજૂ થયાના ત્રણ મહિના બાદ 5 જુલાઈના રોજ મોદી સરકારની જયકારા મંડળી અને પ્રેસ (મિસ) ઈન્ફોર્મેશન બ્યૂરો (PIB)એ એક પ્રેસ રીલિઝ જાહેર કરી ચોંકાવનારો રિપોર્ટ આપ્યો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, વિશ્વમાં સૌથી વધુ સમાનતા ધરાવતા દેશમાં ભારત ચોથા ક્રમે છે.  મોદી સરકાર વર્લ્ડ બેન્કના રિપોર્ટનું વિશ્લેષણ કરવામાં બેદરકાર રહી હતી. તેમજ જાણી જોઈને ખોટો રિપોર્ટ આપ્યો. પોતાના નિષ્કર્ષ સુધી પહોંચવા માટે મોદી સરકારે જાણી-જોઈને બે જુદા-જુદા માપદંડોનો ઉપયોગ કર્યો. ભારત માટે 'વપરાશ આધારિત અસમાનતા' અને અન્ય દેશો માટે 'આવક આધારિત અસમાનતા'. તેઓ કહે છે કે બે બાબતોની તુલના કરવા માટે, તેને સમાન ધોરણ દ્વારા ચકાસવા જરૂરી છે અને આ માત્ર આર્થિક વિશ્લેષણનો મૂળભૂત સિદ્ધાંત જ નથી, પરંતુ સામાન્ય સમજનો વિષય પણ છે. ભારતની આવક આધારિત સમાનતા અન્ય દેશો કરતાં ઘણી ઓછી છે. કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું હતું કે, 'ભારતમાં 'વપરાશ આધારિત અસમાનતા' માપવાનો વિકલ્પ પણ સંપૂર્ણપણે જાણી જોઈને લેવામાં આવ્યો હતો. હકીકતમાં, વપરાશ-આધારિત અસમાનતા હંમેશા 'આવક-આધારિત અસમાનતા' કરતા ઓછી હોય છે, કારણ કે શ્રીમંત લોકો તેમની આવકનો મોટો ભાગ બચાવે છે અને તેનો ખર્ચ કરતા નથી. જ્યારે આપણે ભારતની આવક-આધારિત સમાનતાની તુલના વિશ્વના બાકીના દેશો સાથે કરીએ છીએ, ત્યારે ભારતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ છે. 2019માં, ભારત 216 દેશોમાંથી 176માં ક્રમે હતું.  ભારત વિશ્વનો ચોથો સૌથી સમાન આવક ધરાવતો દેશ નથી પરંતુ અસમાન આવક ધરાવતો વિશ્વનો 40મો દેશ છે.'