આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપકે ભડક્યા, CMને અલ્ટીમેટમ

September 27, 2026

ગુવાહાટી - આસામના ગુવાહાટી શહેરમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સહ-સંસ્થાપક સહિત અનેક કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી છે. આ કાર્યવાહી બાદ પાર્ટીના મુખ્ય સંસ્થાપકે આસામ સરકાર સામે આકરો વિરોધ નોંધાવ્યો છે અને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેમના તમામ સાથીઓને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે, તો તેઓ પોતાના અન્ય સભ્યો સાથે આસામ પહોંચશે અને ત્યાં ધરપકડ વહોરવા પણ તૈયાર છે.

ગુવાહાટીમાં બનેલી આ ઘટના બાદ કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે એ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે પાર્ટીના સહ-સંયોજક આશુતોષ રાંકા (Ashutosh Ranka) ની એક ખાનગી મકાનમાંથી અટકાયત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ કે આરોપ દર્શાવવામાં આવ્યા નથી. તેમણે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો અટકાયત કરાયેલા લોકોને છોડવામાં નહીં આવે તો સમગ્ર પાર્ટી આસામ પહોંચશે, ભલે સરકાર તે બધાની ધરપકડ કરી લે.

પાર્ટીના જણાવ્યા પ્રમાણે, રવિવાર 27 સપ્ટેમ્બર 2026 ના રોજ ગુવાહાટી ખાતે આયોજિત પ્રાદેશિક કાર્યકર બેઠક યોજાય તે પહેલાં જ આસામ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સેન્ટ્રલ કમિટીના 4 સભ્યો સહિત 30 થી વધારે કાર્યકરોને તાબામાં લીધા હતા. અટકાયત પહેલાં રાંકાએ આક્ષેપ કર્યો હતો કે તેઓ એક ખાનગી રહેઠાણમાં શાંતિપૂર્ણ બેઠક કરી રહ્યા હતા, પરંતુ પોલીસ સવારથી જ કાર્યક્રમ રોકવાના પ્રયાસો કરી રહી હતી અને યોગ્ય કારણ વગર કાર્યકરોને ઉઠાવી ગઈ હતી. પાર્ટીની પ્રાદેશિક બેઠકનું આયોજન અગાઉ સવારે 10 વાગ્યે ગુવાહાટીના આઠગાંવ વિસ્તારમાં આવેલા અસમ શ્રી પરશુરામ સેવા સદન ખાતે નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, આયોજકોના જણાવ્યા મુજબ મૂળ બુકિંગ રદ કરવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમનું સ્થળ બદલીને સચિવાલય સામે આવેલા ચૌધરી ટીલા ખાતે ખસેડવું પડ્યું હતું અને આખરે ત્યાંથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.