એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

September 26, 2026

સાવન બરવાલે એશિયન ગેમ્સ 2026માં પુરુષ મેરેથોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. 2:11:37ના પર્સનલ બેસ્ટ સમય સાથે તેમણે 44 વર્ષ બાદ ભારતને આ ઇવેન્ટમાં પદક અપાવ્યો છે. જાપાનના ઇચિટાકા યામશિતાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ચીનના પેઇયુ ફેંગને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. સાવને આ રેસના મોટાભાગના સમય સુધી પોતાની સરસાઈ જાળવી રાખી હતી. નાગોયામાં ભારતના સાવન બરવાલે એ કરી બતાવ્યું જેની રાહ આખો દેશ છેલ્લા 44 વર્ષથી જોઈ રહ્યો હતો. સાવને શનિવારે વહેલી સવારે 2 કલાક 11 મિનિટ 37 સેકન્ડનો સમય નોંધાવ્યો, જે તેમનો પર્સનલ બેસ્ટ સમય પણ છે. આ શાનદાર પ્રદર્શન સાથે ભારતને 1982 પછી પહેલીવાર એશિયન ગેમ્સની મેરેથોનમાં પોડિયમ ફિનિશ મળી છે. આ સાથે જ આ સમય હવે નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ બની ગયો છે. જાપાનના ઇચિટાકા યામશિતાએ 2:10:49ના સમય સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો, જ્યારે સાવન તેમનાથી માત્ર 48 સેકન્ડ પાછળ રહ્યા હતા. ચીનના પેઇયુ ફેંગે 2:12:13ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સાવને રેસની શરૂઆતથી જ દમદાર પ્રદર્શન બતાવ્યું હતું. 5 કિમી પર તેઓ 15:28ના સમય સાથે બીજા સ્થાને હતા, પરંતુ 10 કિમી સુધી પહોંચતા-પહોંચતા તેમણે લીડ મેળવી લીધી હતી. 15 કિમી અને 20 કિમી પર પણ તેમનો સમય શાનદાર રહ્યો અને તેઓ સતત આગળ ચાલી રહ્યા હતા. હાફવે એટલે કે 21.1 કિમી પર તેમણે 1:05:54નો સમય કાઢ્યો હતો અને ત્યારે પણ તેઓ સૌથી આગળ હતા.