પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિલ રાષ્ટ્રપતિએ મૂર્મુએ પાછું મોકલી દીધું

September 26, 2026

પશ્ચિમ બંગાળની ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા વેસ્ટ બંગાળ પબ્લિક સેફ્ટી એન્ડ કંટ્રોલ ઑફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ બિલ, 2026’ને લઈને 25 સપ્ટેમ્બરે મોટો વિવાદ ઊભો થયો. અહેવાલો અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બિલને પુનર્વિચાર માટે પરત મોકલ્યું હોવાની માહિતી સામે આવી હતી. જોકે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ બાદમાં આ અહેવાલોને નકારી કાઢ્યા અને જણાવ્યું કે બિલ હજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વિચારાધીન છે.  આ બિલ જૂનમાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પસાર થયું હતું. તેનો હેતુ સંગઠિત ગુનાખોરી, ખંડણી, ગેરકાયદેસર ખનન, સાયબર ક્રાઇમ અને જાહેર વ્યવસ્થા સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ સામે રાજ્યની કાર્યવાહી કરવાની સત્તા વધારવાનો છે. બિલ હેઠળ ચોક્કસ પરિસ્થિતિમાં વ્યક્તિને ટ્રાયલ વિના 12 મહિના સુધી અટકાયતમાં રાખવા અને નિર્દિષ્ટ વિસ્તારથી બહાર રાખવાની જોગવાઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. કેન્દ્ર સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા વાંધાનો મુખ્ય મુદ્દો બિલની કલમ 2(d)(iii)(B) સાથે જોડાયેલો છે. આ જોગવાઈમાં NDPS એક્ટ, 1985 હેઠળના કેટલાક ગુનાઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓને ‘ગુંડા’ની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવી શકે છે. કેન્દ્રના મતે આ જોગવાઈ PITNDPS એક્ટ, 1988 હેઠળની અટકાયત વ્યવસ્થા સાથે ઓવરલેપ થઈ શકે છે. તેના કારણે ડ્રગ સંબંધિત ગુનાઓમાં બે અલગ કાયદા હેઠળ સમાન પ્રકારની અટકાયત વ્યવસ્થા ઊભી થવાનો પ્રશ્ન સર્જાઈ શકે છે. કેન્દ્રના નોટમાં આ જોગવાઈ દૂર કરવાની ભલામણ કરવામાં આવી હોવાના પણ અહેવાલો છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ 25 સપ્ટેમ્બરની રાત્રે રાષ્ટ્રપતિએ બિલ પરત મોકલ્યું હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેમણે દાવો કર્યો કે, બિલ હજુ ગૃહ મંત્રાલય પાસે વિચારાધીન છે અને રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યું નથી. અધિકારીએ બિલને સ્પષ્ટ ગણાવ્યું અને રાષ્ટ્રપતિની મંજૂરી મળવાની આશા વ્યક્ત કરી હતી. તેવામાં હાલ આ મામલે કોઇ સ્પષ્ટતા નથી. રાષ્ટ્રપતિની કાર્યવાહી અંગે વિરોધાભાસી માહિતી સામે આવી છે. કેટલાક અહેવાલોમાં બિલ પુનર્વિચાર માટે પરત કરાયું હોવાનું જણાવાયું છે. જ્યારે મુખ્યમંત્રીનું કહેવું છે કે બિલ હજુ ગૃહ મંત્રાલય પાસે છે. તેથી બિલની અંતિમ સ્થિતિ અંગે સત્તાવાર પ્રક્રિયા સ્પષ્ટ થવી બાકી છે.