બ્રિટનના રાજકારણમાં ભૂકંપ: PM કીર સ્ટાર્મરે આપ્યું રાજીનામું, પાર્ટી અધ્યક્ષ પદ પણ છોડ્યું

June 22, 2026

બ્રિટન (યુકે) ના રાજકીય ગલિયારાઓમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે (Keir Starmer) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન પદ છોડવાની સાથે જ તેમણે સત્તાધારી પક્ષ 'લેબર પાર્ટી' ના નેતા (અધ્યક્ષ) પદ પરથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. કીર સ્ટાર્મરના આ અચાનક લેવાયેલા નિર્ણય બાદ બ્રિટિશ રાજકારણમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પાર્ટીમાં આંતરિક વિખવાદ: સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી નીતિગત નિર્ણયો અને વહીવટી મુદ્દાઓ પર લેબર પાર્ટીની અંદર જ ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો. 100થી વધુ સાંસદો બળવો કરી ચૂક્યા હતા અને ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમના રાજીનામાની ભવિષ્યવાણી કરી હતી.  નવા નેતાની શોધ શરૂ: કીર સ્ટાર્મરના રાજીનામા બાદ હવે બ્રિટનના આગામી વડાપ્રધાન કોણ બનશે તેને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. લેબર પાર્ટી ટૂંક સમયમાં જ પોતાના નવા સંસદીય નેતાની ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ કરશે. ત્યાં સુધી વહીવટી વ્યવસ્થા સંભાળવા માટે હંગામી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. કીર સ્ટાર્મરે જણાવ્યું કે તેમણે આજે સવારે બ્રિટનના રાજા (કિંગ ચાર્લ્સ) સાથે વાત કરીને પોતાના રાજીનામાના નિર્ણયની સત્તાવાર જાણકારી આપી દીધી છે. આ સાથે જ તેમણે લેબર પાર્ટીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીને નવા નેતાની ચૂંટણી માટે સમયપત્રક નક્કી કરવા વિનંતી કરી છે, જે અંતર્ગત 9 જુલાઈથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે અને સંસદના ઉનાળુ વેકેશન (સમર રિસેસ) સુધીમાં તે પૂર્ણ કરી લેવાશે. આ વ્યવસ્થાના ભાગરૂપે સપ્ટેમ્બરમાં સંસદનું સત્ર ફરી શરૂ થાય તે પહેલાં દેશને નવા નેતા મળી જશે અને ત્યાં સુધી તેઓ વડાપ્રધાન તરીકે પોતાના પદ પર કાર્યરત રહેશે. પોતાના સંબોધનમાં સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું કે તેઓ સત્તાના સુવ્યવસ્થિત હસ્તાંતરણ (handover) માટે શક્ય તમામ પ્રયાસો કરશે અને પોતાના અનુગામી (આગામી વડાપ્રધાન) ને સંપૂર્ણ સહયોગ આપશે. તેમણે ઉમેર્યું કે દેશના નવા વડાપ્રધાનને બે વર્ષ પહેલાંની સરખામણીએ વધુ મજબૂત અને ન્યાયી બ્રિટન વારસામાં મળી રહ્યું છે. આ ભાવુક ક્ષણે તેમણે છેલ્લા છ વર્ષથી તેમની સાથે ખભેખભો મિલાવીને કામ કરનારા પોતાના મિત્રો, સહયોગીઓ, 10 ડાઉનિંગ સ્ટ્રીટના સ્ટાફ અને બ્રિટનની અસાધારણ સિવિલ સર્વિસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.