ખ્યાતિ કાંડ-સરકારી પોર્ટલ પર ખોટા દસ્તાવેજો રજૂ કરી તૈયાર કરાતા હતાં આયુષ્યમાન કાર્ડ

December 17, 2024

Uખ્યાતિ હોસ્પિટલમાં બે લોકોની મોત બાદ સમગ્ર આયુષ્યમાન કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સમગ્ર ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, કેસની ગંભીરતાને જોતા આ કેસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હાલ, ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે નવો ઘટસ્ફોટ કર્યો છે. જેમાં આરોપીઓ સરકારી વેબસાઇટની ટેક્નિકલ ખામીનો દુરૂપયોગ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે ગેરકાયદેસર આયુષ્યમાન કાર્ડ બનાવતા હોવાનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો કે, આ કૌભાંડ હેઠળ જે લોકો પાત્રતા નહતાં ધરાવતા તેવા લોકોના પણ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવતા હતાં. દસ્તાવેજ વિના જ PMJAY કાર્ડ બનાવી દેવામાં આવતા. આ સિવાય કાર્ડ બનાવવા માટે બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ થતો અને ગેરકાયદેસર કાર્ડ બનાવવાના પૈસા પણ વસૂલવામાં આવતાં. આ સમગ્ર કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની સંડોવણી પણ સામે આવી છે. આ સિવાય એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફક્ત ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોય. હાલ, ક્રાઇમ બ્રાન્ચ તમામ આરોપીની પૂછપરછ કરી આ વિશે વધુ તપાસ કરી રહી છે. 
તપાસમાં ખુલાસો થયો કે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટરની સૂચનાથી કપટપૂર્ણ આયુષ્માન ભારત કાર્ડ બનાવવામાં આવ્યા હતા. જેમાં ચિરાગ રાજપૂતે નિમેષ ડોડિયા સાથે મળીને ઓનલાઈન પોર્ટલ દ્વારા કાર્ડ બનાવવાની સેવાઓની જાહેરાત કરી હતી. જેમાં છેતરપિંડી કરીને દરેક કાર્ડ  1,500- 2,000 રૂપિયામાં વેચવામાં આવ્યા હતા, જેમાં નિમેશને કાર્ડ દીઠ 1,000 રૂપિયાની કમાણી થઈ હતી.