Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા

September 29, 2026

જાપાનના આઈચી-નાગોયા ખાતે આયોજિત એશિયન ગેમ્સ 2026માં ભારતીય રમતવીરોનું શાનદાર પ્રદર્શન અવિરતપણે આગળ વધી રહ્યું છે. સ્પર્ધાના નવમા દિવસે એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ ભારતે ઉત્કૃષ્ટ રમત દર્શાવીને એક જ દિવસમાં 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ સહિત કુલ 8 મેડલ દેશની ઝોળીમાં નાખ્યા હતા. આ જબરદસ્ત પ્રદર્શન સાથે સ્પર્ધામાં ભારતના કુલ મેડલની સંખ્યા વધીને 45 પર પહોંચી ગઈ છે, જેમાં 4 ગોલ્ડ, 20 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ સામેલ છે. એથ્લેટિક્સ અને શૂટિંગમાં અત્યંત રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા, જ્યારે કુરાશમાં પણ ભારતે મેડલ મેળવીને દિવસની શરૂઆત કરી હતી. મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ઓલિમ્પિયન ઈશા સિંહે અત્યંત રોમાંચક સ્પર્ધા બાદ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. ફાઇનલમાં 40 શોટ્સ બાદ નોર્થ કોરિયાની ખેલાડી સાથે 34-34 પોઇન્ટ પર બરાબરી થતાં શૂટ-ઓફ રમાયો હતો, જેમાં સતત ત્રણ શૂટ-ઓફ બાદ ઈશાએ સિલ્વર નિશ્ચિત કર્યો હતો. ત્યારબાદ ગોલ્ડ મેડલ માટે ચીનની ઝિયાઓ સામે થયેલા નિર્ણાયક શૂટ-ઓફમાં ઈશા 3-2થી પાછળ રહી ગઈ હતી અને 38ના સ્કોર સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ટીમ ઈવેન્ટની નિરાશા ભૂલીને વ્યક્તિગત સ્તરે તેણે આ અસાધારણ સફળતા હાંસલ કરી હતી. પુરુષોની ભાલા ફેંક (જેવલિન થ્રો) સ્પર્ધામાં સ્ટાર ખેલાડી નીરજ ચોપરાની ગેરહાજરી છતાં ભારતીય યુવા ખેલાડીઓએ મેદાન ગજવ્યું હતું. યશવીર સિંહે પોતાના છેલ્લા પ્રયાસમાં 85.72 મીટરનો પોતાનો સર્વશ્રેષ્ઠ થ્રો ફેંકીને દેશ માટે ગૌરવપૂર્ણ સિલ્વર મેડલ જીત્યો હતો. શરૂઆતના રાઉન્ડથી જ સતત મજબૂત સ્થિતિ જાળવી રાખીને તેણે આ સ્થાન હાંસલ કર્યું હતું.જેવલિન થ્રો સ્પર્ધામાં ભારત તરફથી રોહિત યાદવે પણ શાનદાર લડત આપી હતી. રોહિતે ત્રીજા પ્રયાસમાં 84.35 મીટર દૂર ભાલો ફેંકીને બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો હતો. આ સાથે જ ભાલા ફેંકમાં ભારતના બે ખેલાડીઓએ એકસાથે પોડિયમ પર સ્થાન મેળવીને ડબલ પોડિયમ ફિનિશની ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી હતી. પુરુષોની લાંબી કૂદ (લોંગ જમ્પ) સ્પર્ધામાં મુરલી શ્રીશંકરે અદમ્ય સાહસ અને ખેલદિલીનો પરિચય આપ્યો હતો. સ્પર્ધા દરમિયાન ચોથા પ્રયાસમાં પગની ઘૂંટીમાં ઇજા થતાં તેઓ ભારે દર્દમાં હોવા છતાં, બીજા પ્રયાસમાં નોંધાવેલી 8.07 મીટરની છલાંગના જોરે તેમણે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ઇજાના કારણે તેઓ છેલ્લા બે પ્રયાસ કરી શક્યા નહોતા, તેમ છતાં તેમનું જૂનું અંતર જ તેમને પોડિયમ સુધી લઈ જવા પૂરતું સાબિત થયું હતું.પુરુષોની 1500 મીટર દોડ સ્પર્ધામાં ગુલવીર સિંહે જોરદાર રફતાર બતાવીને 3:36.72 સેકન્ડના પોતાના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તેઓ છેલ્લા લેપ સુધી ગોલ્ડની રેસમાં હતા, પરંતુ જાપાનના ખેલાડી સામે માત્ર 0.37 સેકન્ડના મામૂલી અંતરથી ગોલ્ડ ચૂક્યા હતા. આ જ એશિયન ગેમ્સમાં 10,000 મીટરની દોડમાં સિલ્વર જીત્યા બાદ આ સ્પર્ધામાં ગુલવીરનો આ બીજો વ્યક્તિગત સિલ્વર મેડલ છે.મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં વિથ્યા રામરાજે ઐતિહાસિક પ્રદર્શન કરીને 54.75 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ દોડ સાથે તેમણે મહાન એથ્લેટ પીટી ઉષા દ્વારા 1984ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સ્થાપિત 55.42 સેકન્ડનો 42 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. મિક્સ્ડ 4x400 મીટર રિલેમાં સિલ્વર જીત્યા બાદ વર્તમાન રમતોમાં વિથ્યાનો આ બીજો મેડલ છે. મહિલાઓની 5000 મીટર દોડ સ્પર્ધામાં ઓલિમ્પિયન પારુલ ચૌધરીએ કઠિન પડકારો સામે સંઘર્ષ કરીને 15:14.61 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અગાઉ 3000 મીટર સ્ટીપલચેઝમાં બ્રોન્ઝ જીત્યા બાદ આ ગેમ્સમાં પારુલનો આ બીજો મેડલ છે અને ઓવરઓલ એશિયન ગેમ્સ કરિયરનો ચોથો મેડલ છે. મહિલાઓની 78 કિગ્રા વર્ગની કુરાશ સ્પર્ધામાં પિંકી બલહારાએ ભારતને દિવસનો પ્રથમ મેડલ અપાવ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સાઉથ કોરિયાની ખેલાડીને 3-0થી હરાવ્યા બાદ સેમિફાઇનલમાં તેમને સાઉથ કોરિયાની સુમિન મો સામે 0-5થી હાર મળી હતી. કુરાશ નિયમો અનુસાર સેમિફાઇનલ પહોંચનારા બંને ખેલાડીઓને બ્રોન્ઝ મળતો હોવાથી પિંકીનો બ્રોન્ઝ મેડલ પાકો થયો હતો. 2018 જકાર્તામાં સિલ્વર જીત્યા બાદ એશિયન ગેમ્સમાં પિંકીનો આ બીજો મેડલ છે.