નેપાળમાં સરકાર બદલાતા જ પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીની ધરપકડ

March 28, 2026

કાઠમંડુઃ નેપાળમાં નવી સરકાર બનતાં જ રાજકીય હલચલ તેજ થઈ છે. વડા પ્રધાન બાલેનના નેતૃત્વમાં બનેલી સરકારે શપથ લીધાના 24 કલાકની અંદર જ મોટો નિર્ણય લેતાં પૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલી અને પૂર્વ ગૃહપ્રધાન રમેશ લેખકની ધરપકડ કરી છે. સત્તા પરિવર્તન બાદ આ ધરપકડથી નેપાળની રાજનીતિમાં હલચલ તેજ થઈ છે.

કાઠમંડુ વૈલી પોલીસ અનુસાર, બંનેની સવારે ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ કાર્યવાહી કોઈ બદલાની ભાવનાથી નહીં પરંતુ કાનૂન અંતર્ગત કરવામાં આવી રહી છે. જ્યારે ઓલીએ આ ધરપકડને રાજકીય બદલાની ભાવનાની કાર્યવાહી ગણાવી છે અને કાનૂનની લડાઈની વાત કરી છે.

નેપાળમાં ગત વર્ષે મોટા પાયે ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શન થયા હતા. તેને જેન ઝી વિરોધ પ્રદર્શન ગણાવાયું હતું. આ દેખાવો બાદ અચાનક હિંસા ભડકી હતી અને બે દિવસની અંદર 70થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. હિંસા બાદ ઓલી સરકાર પર ગંભીર સવાલ ઉઠ્યા હતા અને સરકાર પણ ગઈ હતી. આ ઘટનાએ દેશની રાજનીતિને સંપૂર્ણ રીતે બદલી નાંખી હતી.