Breaking News :

દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા

September 30, 2026

પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે દુર્ગાપૂજામાં મોંઘા પાસ વેચવાના કથિત 50 કરોડના કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય એજન્સીની આ તપાસ મંગળવારે સવારથી શરૂ થઈને રાત્રે 11 વાગ્યા સુધી એટલે કે 16 કલાક ચાલી હતી. આ ઉપરાંત, પૂછપરછ માટે એજન્સીએ સેનને બુધવારે સમન્સ પણ પાઠવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જૂન મહિનામાં પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. સેન અને તેમના પત્ની મધુચંદા પર પૂજા પરિક્રમાના નામે યુનેસ્કોના બોગસ પાસ વેચવાનો ગંભીર આરોપ છે. લાંબી પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી બાદ EDને શું મળ્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, પૂર્વ મંત્રીએ તમામ આક્ષેપોને નકારી કાઢીને કાનૂની પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી છે.

આ કાર્યવાહી દરમિયાન કેન્દ્રીય સુરક્ષા દળોએ તમામ સ્થળોને કોર્ડન કરી લીધા હતા. EDના અધિકારીઓએ સેનના સિંગુર સ્થિત નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત, કાર્યક્રમના આયોજક અરિજિત દાસગુપ્તાના ઘરે તેમજ અન્ય શંકાસ્પદ સ્થળોએ પણ એજન્સીની અલગ અલગ ટીમોએ દરોડા પાડ્યા હતા.

વર્ષ 2021માં કોલકાતાની દુર્ગાપૂજાને યુનેસ્કો દ્વારા માન્યતા અપાયા બાદ 'માસ આર્ટ' નામનું એક ગ્રુપ બન્યું હતું. આ ગ્રુપે યુનેસ્કોના પાર્ટનર હોવાનો દાવો કરીને પૂજાનું પ્રમોશન શરૂ કર્યું હતું. સેનના પત્ની મધુચંદા આ ગ્રુપ સાથે જોડાયેલા છે, જેના પર યુનેસ્કોના નામ અને લોગોનો ગેરઉપયોગ કરીને ઊંચા ભાવે ટિકિટો વેચવાનો આરોપ લાગ્યો છે.