ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે સોના-ચાંદીના ભાવ ગગડ્યા, MCX સોનામાં રૂ. 800નો કડાકો, ચાંદી પણ નરમ

May 07, 2025

અમદાવાદ  : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલી અને અમેરિકાના ફેડ રિઝર્વની મોનેટરી પોલિસી પહેલાં એમસીએક્સ સોનામાં મોટો ઘટાડો નોંધાયો હતો. એમસીએક્સ પર સોનાનો ભાવ રૂ. 96900 પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યા બાદ રૂ. 800થી વધુનો કડાકો નોંધાયો હતો. એમસીએક્સ સોનું રૂ. 841 ઘટી 96650 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

બપોરના સેશનમાં એમસીએક્સ સોનું રૂ. 402 તૂટી 97020 પર ટ્રેડ થઈ રહ્યુ હતું. ચાંદી પણ રૂ. 283 તૂટી રૂ. 96418 પર કારોબાર થઈ રહી હતી. ગઈકાલે સોનાના ભાવમાં 3 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ સમયે હેજિંગ માટે સોના-ચાંદીના ભાવ વધે છે.  ભારતે ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાનમાં નવ આતંકી સ્થળો પર કરેલી એર સ્ટ્રાઈક બાદ યુદ્ધની ભીતિ વધી છે.

વૈશ્વિક સ્તરે અમેરિકામાં ફેડ રિઝર્વની રેપો રેટ મુદ્દે જાહેરાત પર સૌ કોઈની નજર છે. અમેરિકા અને ચીન વચ્ચે પણ વેપાર મંત્રણા થવાની શક્યતાઓ વધી છે. જેના પગલે કિંમતી ધાતુમાં કડાકો નોંધાયો છે. વૈશ્વિક સોનું 32.50 ડોલર તૂટી 3390.30 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી 0.33 ડોલર તૂટી 33.04 ડોલર પ્રતિ ઔંસ પર ક્વોટ થઈ રહ્યાં છે. 

અમદાવાદમાં સોનાનો ભાવ 22 એપ્રિલના રોજ તેની રેકોર્ડ હાઈ રૂ. 1,01,500 પ્રતિ 10 ગ્રામથી રૂ. 4800 સસ્તુ થયુ હતું. જો કે, ગઈકાલે ફરી પાછો વધી રૂ. 1,00,000 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ગઈકાલે સોનાના ભાવમાં રૂ. 1800નો ઉછાળો નોંધાયો હતો. ચાંદી પણ રૂ. 1500 ઉછળી રૂ. 97000 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ હતી.